સોના કરતાં ચાંદીના ભાવમાં ઝડપી વધારો, આરબીઆઈએ ખરીદી વધારી
Gold Silver Rates Today: કિંમતી ધાતુ બજારમાં ગઈકાલે શુષ્ક માહોલ રહ્યા બાદ આજે તેજી જોવા મળી છે. જો કે, સોના કરતાં ચાંદીમાં ઝડપી વધારો નોંધાયો છે. એમસીએક્સ ખાતે સોનુ આજે સવારે 72000 પ્રતિ 10 ગ્રામના સ્તરે અને ચાંદી રૂ. 1200ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી હતી. ચાંદી (5 જૂલાઈ)નો વાયદો ટ્રેડિંગના અંતે રૂ. 1322 ઉછળી રૂ. 90797ની સપાટીએ અને સોનુ (5 ઓગસ્ટ) વાયદો રૂ. 422 વધી રૂ. 72120 પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
અમદાવાદ ખાતે છેલ્લા ઘણા દિવસોથી ઘરાકીના અભાવે સોના-ચાંદી બજારમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી રહી નથી. વૈશ્વિક બજારોના સથવારે આજે સોનું રૂ. 400 વધી રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 750 ઉછળી રૂ. 91250 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી.
આરબીઆઈ ગોલ્ડ રિઝર્વમાં વધારો કરશે
RBI વર્ષની શરૂઆતથી જ તેની ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો કરી રહી છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા ગોલ્ડ રિઝર્વના આંકડાઓ અનુસાર, 2024માં અત્યાર સુધીમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસની અનિશ્ચિતતાઓ વચ્ચે ફોરેક્સ રિઝર્વ વધારવા નિર્ણય લેવાયો છે. 7 જૂન સુધી ગોલ્ડ રિઝર્વ $56.982 અબજ હતું. જે કુલ રિઝર્વ્સના 8.69 ટકા છે, જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ તે $48.328 અબજ હતું. વિશ્વની સેન્ટ્રલ બેન્કો કિંમતી ધાતુમાં ખરીદી વધારી રહી છે.
અમેરિકાના રિટેલ વેચાણના નબળા આંકડાઓ તેમજ ફુગાવાના દરમાં ઘટાડોના કારણે સપ્ટેમ્બરમાં વ્યાજના દરોમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. જેના પગલે વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં ખરીદીનું સેન્ટિમેન્ટ જોવા મળ્યું હોવાનું એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી અને કરન્સી વાઈસ પ્રેસિડન્ટ રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું છે. જો કે, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સોનાના ભાવ વધુ પડતાં હોવાથી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમત
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્પોટ ગોલ્ડ 5.40 ડોલર વધી 2352.30 ડોલર પ્રતિ ઔંશ અને સિલ્વર 30.32 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી છે. અમેરિકાના ઈકોનોમિક ડેટા નબળા રહેતાં ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા વધી છે. વૈશ્વિક સ્તરે માર્કેટ નિષ્ણાતોએ આ વર્ષના અંત સુધીમાં સોનુ 2500 ડોલર પ્રતિ ઔંશની સપાટી વટાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.