લગ્નસરાની સિઝનથી ઘરાકી વધી, 25 દિવસ બાદ સોનું ફરી 80000 ક્રોસ, ચાંદી ત્રણ દિવસથી સ્થિર
Gold Silver Price: કમોરતા પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ કમોરતા બાદ ફરી પાછા શુભકાર્યોની શરૂઆત સાથે કિંમતી ધાતુ બજારમાં ચહલપહલ જોવા મળી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુમાં સ્થિરતા રહ્યા બાદ હવે ફરી પાછી મુવમેન્ટ જોવા મળી રહી છે. સોનાનો ભાવ 25 દિવસ બાદ વધી ફરી રૂ. 80000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યો છે. જો કે, ચાંદીની કિંમત છેલ્લા ત્રણ દિવસથી સતત સ્થિર રહી છે.
સોના-ચાંદીના ભાવમાં મુવમેન્ટ પાછળનું એક કારણ કમોરતા બાદ શરૂ થઈ રહેલી લગ્ન સિઝન છે. વધુમાં વૈશ્વિક પડકારો અને ફુગાવાના કારણે કિંમતી ધાતુમાં ફરી પાછી તેજી જોવા મળી છે. જેની અસર સ્થાનિક બજારો પર પણ થઈ છે.
અમદાવાદમાં આજે સોના-ચાંદી
અમદાવાદમાં આજે સોનાની કિંમત રૂ. 200 વધી રૂ. 80100 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે ચાંદી રૂ. 90500 પ્રતિ કિગ્રાના સ્તરે છેલ્લા ત્રણ દિવસથી ક્વોટ થઈ રહી છે. સોમવારે ચાંદીનો ભાવ રૂ. 89000 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. જે મંગળવારે રૂ. 1500 વધ્યા બાદ સ્થિર રહ્યો છે.
આ પણ વાંચોઃ સોનાની આયાત ગણતરીમાં મોટો છબરડો: નવેમ્બરની આયાત 53 ટન ઘટી
એમસીએક્સ ચાંદીમાં ઉછાળો
એમસીએક્સમાં સોના કરતાં ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી (5 માર્ચ,2025) વાયદો રૂ. 786 વધી રૂ. 91724 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહ્યો હતો. જ્યારે સોનાનો 5 ફેબ્રુઆરી વાયદો રૂ. 380 વધી રૂ. 78127 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે સોનું 16 ડોલર વધી 2688 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 0.34 ડોલર ઉછળી 31.02 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી છે.
સોનામાં આગામી ટ્રેન્ડ કેવો રહેશે?
સોના-ચાંદીની કિંમત પર જિઓ-પોલિટિકલ ઈવેન્ટ્સની અસર વધુ રહે છે. અમેરિકા અને યુરોપમાં મોંઘવારી રહેવાની શક્યતા સાથે વ્યાજદરોમાં હાલ કોઈ ઘટાડો નહીં થાય. જેથી સોનાની માગ ઘટી શકે છે. જો રશિયા-યુક્રેન, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વણસે તો સોનામાં રોકાણ વધશે. 14 જાન્યુઆરી બાદ ફરી પાછી લગ્ન સિઝન શરૂ થવા જઈ રહી છે. જેના લીધે સોના-ચાંદી બજારમાં ઘરાકી જોવા મળી શકે છે. જે કિંમતમાં વધારો કરશે. તદુપરાંત અમેરિકાના ડોલર સામે રૂપિયો સતત તળિયા ઝાટક થઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતાં સોનાની કિંમતો વધશે. કારણકે, ભારતમાં સોનાની મોટાપાયે આયાત થાય છે.