નવરાત્રિના બીજા દિવસે સોનું રેકોર્ડ ટોચે, ચાંદીમાં પણ ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના લીધે સેફ હેવનની માગમાં વધારો થયો છે. પરિણામે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. આજે એમસીએક્સ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં 300થી 400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લા કેટલાક સમયથી નબળો રહ્યા બાદ હવે યુએસ જોબ ડેટા પહેલાં જ ફરી પાછો છ સપ્તાહની ટોચે પહોંચ્યો છે.
એમસીએક્સ ખાતે સોનું રૂ. 168ના સુધારા સાથે ખૂલ્યા બાદ 12.13 વાગ્યે 281 રૂપિયાના ઉછાળે 75800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ હતું. ચાંદી રૂ. 210 ઉછળી રૂ. 932150 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ રહી હતી. અંતે એમસીએક્સ સોનું (4 ઓક્ટોબર વાયદો) રૂ. 121 ઉછળી રૂ. 75640 પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી રૂ. 275 ઉછળી રૂ. 93253 પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ વધુ નવી રેકોર્ડ ટોચે 2687.70 ડોલર પ્રતિ ઔંશ પર પહોંચ્યું હતું. પ્લેટિનમ અને પેલેડિયમમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, 257 શેર્સમાં અપર સર્કિટ
અમદાવાદમાં ચાંદીની ચમક વધી
સ્થાનીય બજાર અમદાવાદમાં સોનું રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. આજે વધુ રૂ. 500 ઉછળી રૂ. 78500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ચાંદી પણ રૂ. 500 ઉછળી રૂ. 91500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. ગઈકાલે ચાંદીની કિંમત રૂ. 1000 વધી રૂ. 91000 પ્રતિ કિગ્રા થઈ હતી. જ્યારે સોનાનો ભાવ રૂ. 78200 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે સ્થિર રહ્યો હતો.
તહેવારોમાં માગ વધવાનો આશાવાદ
નવરાત્રિથી શરૂ થયેલી તહેવારોની રમઝટમાં સોના-ચાંદીની ખરીદી વધવાનો આશાવાદ જ્વેલર્સ રાખી રહ્યા છે. જો કે, આ વર્ષે કિંમતી ધાતુના રેકોર્ડ ભાવ પડકારરૂપ બની શકે છે. સામાન્ય ગ્રાહક સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો કે કાપ મૂકી શકે છે.