Gold Price : અક્ષય તૃતીયા પહેલા સોનું ખરીદવાની સુવર્ણ તક, જાણો નવા ભાવ અને ટ્રેન્ડ
Gold price: સ્થાનિક સ્તરે અક્ષય તૃતીયાના આગલા દિવસે અર્થાત આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા હોકિશ વલણના પગલે એમસીએક્સ (MCX) પર જૂન એક્સપાયરી માટેનો ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ રૂ. 71,050 પ્રતિ 10 ગ્રામ માર્ક પર ઘટાડે ખૂલ્યા બાદ 71 હજારની સપાટી ગુમાવી ઈન્ટ્રા ડે રૂ. 70965ની બોટમે પહોંચ્યો હતો. 1.21 વાગ્યે રૂ. 125 ઘટી 71002 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં, COMEX સોનું ઔંસ દીઠ $2,319 આસપાસ છે, જ્યારે સ્પોટ ગોલ્ડના ભાવ ઔંસ દીઠ $2,312 આસપાસ છે. આવતીકાલે અક્ષય તૃતીયા છે. જે સોનાની ખરીદી માટે શુભ દિવસ ગણાય છે. આ પર્વ નિમિત્તે ગ્રાહકોને આકર્ષિત કરવા આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ ઘટે તેવી તીવ્ર શક્યતા જોવા મળી રહી છે.
ભાવ ઘટાડા પાછળનું કારણ
કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં હાલના ઘટાડાનું કારણ યુએસ ફેડના અધિકારીઓનું રેટ કટ મામલે આગામી નિવેદન છે. રોકાણકારો હાલ યુએસ ફેડ વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ સાથે આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ વધતી જતી ટ્રેઝરી યીલ્ડ અને યુએસ ડોલરના દરો પણ આજે સોનાના ભાવમાં ઘટાડાનું કારણ છે.
અક્ષય તૃતીયામાં રોકાણ લાભદાયી સાબિત થશે
HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાએ સલાહ આપી હતી કે, "સોનાના ભાવની વર્તમાન રેન્જ ₹70,500થી ₹71,200 પ્રતિ 10 ગ્રામ છે. આ રેઝિસ્ટન્સ ક્રોસ થાય તો તેજી વધશે. MCX પર સોનાની કિંમત ₹71,800 પ્રતિ 10 ગ્રામના સ્તરે ખરીદવા સલાહ છે. આવતીકાલે અક્ષય તૃતીયા નિમિત્તે ભૌતિક સોનાની માંગ વધશે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વધે તો સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી શકે છે."
કિંમતી ધાતુની કિંમતનો મદાર મધ્ય-પૂર્વ તણાવ પર
મધ્ય-પૂર્વમાં ફરી પાછો તણાવ વધતો નજરે ચડ્યો છે. જેથી બુલિયન રોકાણકારો તેના પર નજર રાખતાં રોકાણ નીતિ અપનાવી રહ્યા છે. જો ઈરાન-ઈઝરાયલ વચ્ચે ક્રાઈસિસ વધે તો કિંમતી ધાતુ બજારમાં તેજી આવી શકે છે. અમેરિકાએ રફાહ શહેર પર સંભવિત લશ્કરી હુમલાની ચિંતાને ધ્યાનમાં રાખતાં ઈઝરાયલ માટે મોકલાઈ રહેલી બોમ્બની શિપમેન્ટ અટકાવી દીધા પછી મધ્ય પૂર્વમાં તણાવ ઘટ્યો છે.