Gold Price Today: અખાત્રીજમાં સોના-ચાંદીની ખરીદી ઘટી, અમદાવાદમાં ગોલ્ડ રૂ. 1700 વધ્યું
Gold Price In Ahmedabad: કહેવાય છે કે, અખાત્રીજના શુભ દિને સોનુ ખરીદો તો સોનામાં વૃદ્ધિ થાય. પરંતુ કિંમતી ધાતુના ભાવ દેશભરમાં આજે એવરેજ રૂ. 1200થી 1500 વધતાં ખરીદદારોની ખરીદ શક્તિ 50 ટકા ઘટી છે.
અમદાવાદમાં સોનું રૂ. 1700 અને ચાંદી રૂ. 2000 મોંઘી
અમદાવાદમાં આજે 99.9 સોનાની કિંમત રૂ. 1700 વધી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2000 વધી રૂ. 85000 પ્રતિ કિગ્રા થઈ છે. 99.5 સોનું પણ રૂ. 1700 મોંઘુ (રૂ. 75300 પ્રતિ 10 ગ્રામ) થયું છે.
અગાઉના બુકિંગની ડિલિવરી થઈ, નવી ખરીદીનો અભાવ
અખાત્રીજના પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદીના મહત્વને ધ્યાનમાં રાખતાં અગાઉથી રૂ. 73000 પ્રતિ 10 ગ્રામના ભાવે બુકિંગ કરાવેલા ગ્રાહકોએ ડિલિવરી લીધી છે. જેના લીધે બજારમાં ખરીદદારોનો ધસારો જોવા મળ્યો હતો. પરંતુ નવા આજના રૂ. 75500ના ઉંચા ભાવે નવી ખરીદી કરવાનું ટાળ્યું છે. ઉંચા ભાવના લીધે ખરીદ શક્તિ ઘટતાં શુકન પેટે સોનું ખરીદદારોની ક્વોન્ટિટી ઘટી હોવાનું જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના પ્રેસિડન્ટ (એનએસ જ્વેલર્સ)ના જીગર સોનીએ જણાવ્યું હતું.
શુકન પેટે સોનાની ખરીદી થઈ
છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીની કિંમતોમાં સતત વૃદ્ધિના પગલે સ્થાનિક બજારોમાં નહિંવત્ત ઘરાકીની તુલનાએ આજે અખાત્રીજના તહેવારે શુકન તરીકે પણ લોકોએ ઉંચા ભાવમાં ઓછું પણ સોનુ ખરીદ્યું છે. જો કે, અગાઉના વર્ષોની અખાત્રીજના તુલનાએ 50 ટકા અર્થાત મધ્યમ ઘરાકી રહી હોવાનું અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાએ જણાવ્યું છે.
સોના-ચાંદીમાં ઉછાળા પાછળના કારણો
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વૃદ્ધિના પગલે આજે સ્થાનિક સ્તરે કિંમતો વધી છે. અમેરિકાની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ વધતાં સેફ હેવન રોકાણ વધ્યું છે. વધુમાં મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ તણાવ વધવાની ભીતિ પણ વધી છે.