સોનાની ચમક વધી, ઓલટાઈમ હાઈ સાથે 78000 તરફ, ચાંદીમાં કોઈ ખાસ ઘરાકી નહીં
Gold Price Today All Time High: વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં કિંમતી ધાતુની માગ વધી છે. પરિણામે સોના-ચાંદીના ભાવ સતત ત્રણ દિવસથી નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે. અમદાવાદમાં રિટેલ સોનાની કિંમત રૂ. 77000 પ્રતિ 10 ગ્રામ ક્રોસ કરી વધી છે.
અમદાવાદમાં ગઈકાલે સોનાની કિંમત ઐતિહાસિક રૂ. 77300 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યા બાદ આજે વધી રૂ. 77300-77800 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહી છે. જ્યારે ચાંદી 87500-89500 પ્રતિ કિગ્રાની સપાટીએ ક્વોટ થઈ રહી છે. દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. સવારના સેશનમાં સોનું રૂ. 496 અને ચાંદી રૂ. 1922 પ્રતિ કિગ્રાના ઉછાળે ટ્રેડ થઈ રહ્યું હતું, પરંતુ બાદમાં ભાવ ઘટ્યા હતા.
આ પણ વાંચોઃ ભારત અંગે IMF-વર્લ્ડબેન્ક બાદ હવે મૂડીઝે આપી ગૂડ ન્યૂઝ, GDP ગ્રોથમાં દેખાશે હરણફાળ
MCX સોનામાં તેજી, ચાંદી ઝાંખી પડી
એમસીએક્સ ખાતે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી સોનાની ચમક સતત વધી રહી છે, જ્યારે ચાંદી ઝાંખી પડતી નજરે ચડી છે. એમસીએક્સ ગોલ્ડ 4 ઓક્ટોબરનો વાયદો સમાચાર લખાયા ત્યારે રૂ. 200ના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી 5 ડિસેમ્બર વાયદો રૂ. 438ના ઘટાડે રૂ. 91955 પ્રતિ કિગ્રાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્થાનીય બજારમાં પણ ચાંદી છેલ્લા બે દિવસથી રૂ. 88000 પર સ્થિર રહી હતી.
સોના-ચાંદીમાં તેજી પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં વધુ ઘટાડાની અપેક્ષા તેમજ અમેરિકી ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્પોટ ગોલ્ડ રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું છે. તદુપરાંત સ્થાનીય બજારોમાં કિંમતી ધાતુની આવક કરતાં માગ વધી છે. વૈશ્વિક સ્તરે ઉંચા ભાવોના કારણે આવક ઘટતાં સ્થાનિક બજારોમાં ભાવ ઉંચકાયા છે. ઈઝરાયલ-લેબનોન વચ્ચે યુદ્ધની સ્થિતિ કથળી રહી હોવાથી રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે.