અમદાવાદમાં સોનું રૂ. 3500 સસ્તું થયું, સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાની અસરઃ જાણો આજના ભાવ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Gold price Today


Gold Price Today: કેન્દ્રીય બજેટ 2024માં સોના-ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરવાની જાહેરાત સાથે સોના-ચાંદી સસ્તા થયા છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સોનુ રૂ. 3500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 3000 સસ્તી થઈ છે.

આજે અમદાવાદમાં સોનાની કિંમત વધુ રૂ. 500 ઘટી રૂ. 72000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી સ્થિર રૂ. 86000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. જેની કિંમત ગઈકાલે રૂ. 3000 ઘટી હતી.

એમસીએક્સ સોના-ચાંદીમાં નજીવો ઉછાળો

એમસીએક્સ ખાતે સોનુ આજે રૂ. 312 વધી રૂ. 68822 પ્રતિ 10 ગ્રામ, અને ચાંદી રૂ. 288 વધી રૂ. 85207 પ્રતિ કિગ્રા થયું હતું. બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરવામાં આવી છે. જેના પગલે સોના-ચાંદીનો આયાત ખર્ચ ઘટશે. એક અંદાજ પ્રમાણે સોનાનો આયાત ખર્ચ રૂ. 5.90 લાખ ઘટ્યો છે. ગઈકાલે એમસીએક્સ સોના-ચાંદીમાં પણ રૂ. 4000નો કડાકો જોવા મળ્યો હતો.

કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે, કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં સોનાની માગને ટેકો મળશે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ, નબળો રૂપિયો અને વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી, ઈટીએફમાં રોકાણ વધતાં સોનાની કિંમતમાં પોઝિટીવ ટ્રેન્ડ જળવાઈ રહેવાનો આશાવાદ છે.

સેન્સેક્સ-નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડે બંધ, સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે મૂડી 3.35 લાખ કરોડ વધી

દાણચોરીમાં ઘટાડો કરવા આ નિર્ણય લેવાયો

કિંમતી ધાતુની દાણચોરીમાં ઘટાડો કરવાના આશય સાથે કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડવા નિર્ણય લીધો છે. 2023-24માં દેશમાં આયાત થયેલા સોનાના આધારે સરકારને રૂ. 28 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. તે વર્ષે 45.54 અબજ ડોલરનું સોનું અને 5.44 અબજ ડોલરની ચાંદી આયાત કરવામાં આવી હતી. સામે 13.23 અબજ ડોલરની જ્વેલરીની નિકાસ થઈ હતી. વોલ્યૂમની દ્રષ્ટિએ ભારત દરવર્ષે અંદાજિત 800-900 ટન સોનું આયાત કરે છે.

3917 કિગ્રા સોનાની દાણચોરી

રિપોર્ટ અનુસાર, 2023માં જાન્યુઆરી-ઓક્ટોબર દરમિયાન 4798 કેસોમાં કુલ 3917.52 કિગ્રા સોનાની દાણચોરી થઈ હતી. સરકારી આંકડાઓ અનુસાર, 2022માં 35012.16 કિગ્રા સોનાની દાણચોરી થઈ હતી. 2021માં 2383 કિગ્રા, 2020માં 2155 કિગ્રા સોનાની દાણચોરી થઈ હતી. દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુનો હિસ્સો 5 ટકા છે.



Google NewsGoogle News