Get The App

સોનામાં તેજીનો જુવાળ, આજે ભાવ રૂ. 1100 વધી 88600ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં પણ ઉછાળો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
સોનામાં તેજીનો જુવાળ, આજે ભાવ રૂ. 1100 વધી 88600ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં પણ ઉછાળો 1 - image


Gold Rate All Time High: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી વધી છે. સોનાનો ભાવ છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદમાં આજે સોનું રૂ. 1100 વધી રૂ. 88600 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. ચાંદી પણ રૂ. 500 વધી રૂ. 94500 પ્રતિ કિગ્રા થઈ છે.

10 દિવસમાં સોનું રૂ. 3600 મોંઘુ થયું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે ફરી પાછો ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે છેલ્લા કેટલાક દિવસથી કિંમતી ધાતુમાં રોકાણ વધ્યું છે. અમદાવાદમાં સોનું છેલ્લા દસ દિવસમાં રૂ. 3600 મોંઘુ થયું છે. ટ્રમ્પે ગઈકાલે જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં અમેરિકામાં આયાત થતાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. જેનાથી વૈશ્વિક સ્તરે આર્થિક અને નાણાકીય પડકારો ઉભા થવાના જોખમો વધ્યા છે. આ સ્થિતિમાં રોકાણકારો સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફ ડાયવર્ટ થયા છે. બીજી તરફ સેન્ટ્રલ બેન્કો વ્યાજના દરો પણ ધીમે-ધીમે ઘટાડવા તરફ આગળ વધી રહી છે. જેના લીધે સોનામાં તેજીનો દોર જળવાઈ રહેવાની શક્યતાઓ વધી છે.

એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 854 રૂપિયા ઉછળ્યો છે. ચાંદી વાયદો પણ 486 રૂપિયા ઉછળી 95819 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાતના પગલે કોપરમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું.

આ પણ વાંચોઃ 3000 કર્મચારીઓનું લિસ્ટ તૈયાર... ગૂગલ-એમેઝોન બાદ ફેસબુકમાં આજથી મોટાપાયે છટણી શરૂ

એમસીએક્સ સોનું 84000-86500ની રેન્જમાં અથડાશે

એલકેપી સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એમસીએક્સમાં સોનું રૂ. 85800ની મજબૂત સપાટી ક્રોસ કરી ગયું છે. વૈશ્વિક બજારોમાં 2900 ડોલર પ્રતિ ઔંશના લેવલે પહોંચ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે મેટલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. જો કે, આ ટેરિફ વોર કયાં દેશો પર લાદવામાં આવશે તેની સ્પષ્ટતા કરી નથી. રૂપિયો પણ 87.94ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનામાં પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહેશે. જે આગામી દિવસોમાં 84000-86500ની રેન્જમાં ટ્રેડ થશે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી પૂરતી છે. તેનાથી થતાં કોઈપણ લાભ-કે ખોટ માટે ગુજરાત સમાચાર જવાબદાર નથી.)

સોનામાં તેજીનો જુવાળ, આજે ભાવ રૂ. 1100 વધી 88600ની રેકોર્ડ સપાટીએ, ચાંદીમાં પણ ઉછાળો 2 - image


Google NewsGoogle News