ટ્રમ્પના સત્તા પર આગમન સાથે કિંમતી ધાતુમાં તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ સર્વોચ્ચ સ્તરે
Gold Silver Price: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આગમન સાથે તેમની વેપાર નીતિઓ મુદ્દે અનિશ્ચિતતાઓ તેમજ ડૉલર નબળો પડતાં કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. સ્થાનિક બજારમાં સોનાની કિંમત સર્વોચ્ચ ટોચે પહોંચી છે. વૈશ્વિક સ્તરે પણ સોનું 11 માસની ટોચે પહોંચ્યું છે.
અમદાવાદ કિંમતી ધાતુ બજારમાં સોનું આજે રૂ.82800 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જેની ગત 30 ઑક્ટોબરે કિંમત રૂ. 82300 પ્રતિ 10 ગ્રામ હતી. સોનાનો ભાવ ગઈકાલની તુલનાએ 10 ગ્રામ દીઠ રૂ. 700 વધ્યો છે. આજે અમેરિકન ડૉલરમાં આકર્ષક તેજીએ વિરામ લેતાં સેફ હેવનમાં રોકાણ વધ્યું છે.
ચાંદી 1000 રૂપિયા મોંઘી થઈ
ઔદ્યોગિક માગના કારણે ગત વર્ષે આકર્ષક રિટર્ન આપનારી ચાંદી આજે રૂ. 1000 મોંઘી થઈ છે. આજે અમદાવાદમાં રૂ. 91500 પ્રતિ કિગ્રાના ભાવે ક્વોટ થઈ રહી હતી. ગત વર્ષે ઑક્ટોબરમાં ચાંદીનો ભાવ રૂ.99000 પ્રતિ કિગ્રાના રૅકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે, વિશ્વભરમાં સોના કરતાં ચાંદીની માગ સતત વધી રહી છે. જેની પાછળનું કારણ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સિસ અને ઈ-વાહનોની વધતી ડિમાન્ડ છે. કોમોડિટી નિષ્ણાતોએ પણ ચાંદી આ વર્ષે દોઢ લોખનો આંકડો ક્રોસ કરશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
એમસીએક્સ ગોલ્ડ 280 રૂપિયા વધ્યું
એમસીએક્સ ગોલ્ડ વાયદો (5 ફેબ્રુઆરી) આજે રૂ. 280 વધી રૂ. 79504 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે ચાંદી વાયદો (5 માર્ચ) રૂ. 171 ઘટી રૂ. 91906 પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 10 ડૉલરથી વધુ ઉછળી 2774 ડૉલર પ્રતિ ઔંશની 11 માસની ટોચે પહોંચ્યું હતું. જે સમાચાર લખાયા ત્યારે 7.50 ડૉલર ઉછાળા સાથે 2766.30 ડૉલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહ્યુ હતું.