દેશભરમાં સોનાનો એક જ ભાવ: પૂર્વી ભારતથી થશે શરૂઆત, જાણો તમને શું થશે ફાયદો "

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News

One nation One rate

One Nation, One Rate Policy On Gold: કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત સાથે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો કે, હજી પણ રાજ્યવાર ભાવો અલગ-અલગ હોવાથી વધ-ઘટનું પ્રમાણ ભિન્ન રહ્યુ હતું. કેન્દ્ર સરકાર હવે ટૂંકસમયમાં જ સોના-ચાંદીના ભાવોમાં આ તફાવત દૂર કરતાં વન નેશન વન પોલિસી અમલમાં મુકવા જઈ રહી છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

'વન નેશન, વન રેટ' પર શું તૈયારીઓ?

સોનાના ભાવમાં પારદર્શિતા લાવવા માટે સમગ્ર દેશમાં સોના માટે એક જ દર (ONOR) રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોદી સરકાર દેશભરમાં વન નેશન વન ગોલ્ડ રેટ પોલિસી આગામી મહિને અમલમાં મુકી શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલે આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ટૂંકસમયમાં તેના પર નિર્ણય જાહેર કરાશે.

પૂર્વ ભારતથી થશે શરૂઆત

ગોલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી વન નેશન વન રેટ પોલિસીનું સમર્થન કરી રહ્યું છે. ઓગસ્ટમાં પૂર્વ ભારતથી આ પોલિસીનો અમલ શરૂ થઈ શકે છે.  સેવ ગોલ્ડ ક્રાફ્ટ કમિટીના ચેરમેન સમર કુમાર ડેએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સોનાનો એક જ ભાવ લાદવાની વિચારણા તમામ સ્ટેકહોલ્ડર્સના હિત માટે યોગ્ય છે. આ પહેલમાં બુલિયન વિક્રેતાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓગસ્ટથી બંગાળ અને પૂર્વ ભારત માટે એકસમાન રેટ લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સોનામાં બોલેલા કડાકાથી ગોલ્ડ લોન કંપનીઓની ચિંતામાં મોટો વધારો થયો

જુદા-જુદા રાજ્યમાં સોના ભાવમાં તફાવત કેમ

સોનાના ભાવ અનેક પરિબળો પર નિર્ભર હોય છે. આથી દેશના જુદા-જુદા શહેરોમાં ભાવ જુદા-જુદા હોય છે. સ્થાનિક પરિસ્થિતિઓ અને માર્કેટના વલણો સોનાની કિંમત પર અસર કરે છે. સ્થાનિક બજારોમાં સોનાની માગ, મજૂરી ખર્ચ, રાજ્ય સરકારની નીતિઓ, ટેક્સ જેવા અનેક પરિબળોના કારણે જુદા-જુદા શહેરોમાં સોના-ચાંદીના ભાવ જુદા-જુદા હોય છે.

ઓછો ટેક્સ, ચાર્જ અને ઉંચી માગ ધરાવતા બજારોમાં સોનાના ભાવ ઓછા છે, જ્યારે ઉંચો ટેક્સ-ઉંચા ચાર્જ અને ઓછી માગ ધરાવતા બજારોમાં સોનાના ભાવ વધુ છે. વન નેશન, વન રેટ પોલિસી લાગુ થવાથી દરેક સ્થળે એક જ રેટ પર સોનું મળશે.

આ પોલિસીના ફાયદા

GST, હોલમાર્ક જેવા પગલાંથી જ્વેલરી ઈન્ડસ્ટ્રી વધુ પારદર્શક બની છે. આ પગલાંનો હેતુ ગ્રાહકોને સોનાની ખરીદીમાં થતી છેતરપિંડીથી બચાવવાનો છે. સમગ્ર દેશમાં એક સમાન ટેરિફના કારણે કોઈપણ સ્થળેથી એક જ ભાવે સોનુ મેળવી શકાશે.

• હાલમાં, સમગ્ર દેશમાં સોનાના ભાવ અલગ-અલગ છે. દરેક શહેરમાં અલગ-અલગ સોનાના દરને કારણે ગ્રાહકોમાં અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી પોલિસી આ મૂંઝવણ દૂર કરશે.

• 'વન નેશન, વન રેટ' પોલિસીના અમલીકરણથી બુલિયન માર્કેટમાં અનિશ્ચિતતા ઘટશે. સોનાના ભાવ સ્થિર થતાં ગ્રાહકો વિશ્વાસ સાથે સોનું ખરીદી શકે છે.

• સમગ્ર દેશમાં એક જ રેટ લાગુ કરવાથી રોકાણકારોમાં વિશ્વાસનો માહોલ સર્જાશે. તેનાથી ગોલ્ડ માર્કેટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણ વધશે. એવી ધારણા છે કે તેનાથી વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો થશે અને સોનાના ભાવ વધુ ઘટશે.

• ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડ્યુટીમાં તીવ્ર ઘટાડો દાણચોરીને દૂર કરવામાં પણ મદદ કરશે.

ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પાસે સોનાને લગતા જીએસટી સંદર્ભે અન્ય કોઈ યોજના છે કે કેમ તે અંગે પણ ચિંતા છે. GJCએ GST કાઉન્સિલને જ્વેલરી પરના ટેક્સનો દર વર્તમાન 3%થી ઘટાડીને 1% કરવા અપીલ કરી છે.

  

  દેશભરમાં સોનાનો એક જ ભાવ: પૂર્વી ભારતથી થશે શરૂઆત, જાણો તમને શું થશે ફાયદો " 2 - image


Google NewsGoogle News