આ દેશમાં મળે છે ભારત કરતાં સસ્તુ સોનું, જાણો ભાવ અને કસ્ટમના નિયમો
Image: IANS |
Dubai’s Gold Is Cheaper than India: શુદ્ધતાની દ્રષ્ટિએ વિશ્વનું શ્રૈષ્ઠ સોનાનું વેચાણ કરતાં દેશ દુબઈમાં ભારત કરતાં સસ્તુ સોનુ મળે છે. વિશ્વભરમાં સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી ભારતમાં પણ લગભગ રૂ.10000 સુધીનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. ત્યારે મોટાભાગના લોકો જાણવા ઉત્સુક છે કે, ભારત કરતાં સસ્તુ સોનુ ક્યાં મળી રહ્યું છે.
દુબઈમાં સોનાની કિંમત
દુબઈમાં સોનાનો ભાવ ભારત કરતાં ઓછો છે. આજે દુબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 282.75 દિર્હમ (AED) પ્રતિ ગ્રામ છે. જે ભારતીય કરન્સી મુજબ રૂ. 6426.91 (1 દિર્હમ=22.73 રૂપિયા) પ્રતિ ગ્રામ થાય છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 261.75 દિર્હમ પ્રતિ ગ્રામ અર્થાત રૂ. 5949.58 પ્રતિ ગ્રામ છે. જેનો 10 ગ્રામનો ભાવ રૂ. 59491 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 64261 થાય છે.
સ્થાનિક બજારમાં આજનો સોનાનો ભાવ
સ્થાનિક બજારમાં અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 74600 પ્રતિ 10 ગ્રામ છે. જે ગઈકાલ કરતાં રૂ. 450 મોંઘુ થયુ છે. ગતમહિને સોનુ રૂ. 76600ની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ (5 ઓગસ્ટ વાયદો) રૂ. 636ના ઉછાળા સાથે રૂ. 72190 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યુ હતું.
દુબઈમાં તોલા સોનું દસ હજાર રૂપિયા સસ્તું
ભારતમાં સોનાના ભાવની સરખામણીએ દુબઈમાં સોનાના ભાવ ઓછા છે. ભારત કરતાં દુબઈમાં 24 કેરેટ તોલા (10 ગ્રામ) સોનું રૂ. 10339 સસ્તું છે. જ્યારે એમસીએક્સ ગોલ્ડની તુલનાએ રૂ. 7929 પ્રતિ 10 ગ્રામ સસ્તુ છે. જો કે, દુબઈથી સોનુ ભારત લાવવાના કેટલાક નિયમો છે. જો તે નિયમોનું ઉલ્લંઘન થાય તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આકરી કાર્યવાહી અને સજાની જોગવાઈઓનો સામનો કરવો પડશે.
દુબઈથી કેટલુ સોનુ સાથે લાવી શકાય
દુબઈથી ભારત આવતો મુસાફર ચોક્કસ મર્યાદા સાથે દુબઈથી સોનુ ભારત લાવી શકે છે. પુરૂષ મુસાફર દુબઈથી મહત્તમ 20 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જ્યારે મહિલા અને બાળક 40 ગ્રામ સોનુ સાથે લાવી શકે છે. જો કે, તેની કિંમત ડ્યૂટી ફ્રી મર્યાદાની અંદર હોવી જોઈએ, નહિં તો તમારે કસ્ટમ ચાર્જ ચૂકવવો પડશે.
કસ્ટમ ડ્યૂટી
ભારતીય મુસાફરો કે જેઓ દુબઈમાં છ મહિનાથી વધુ સમય સુધી રહ્યા હોય તેઓ માટે કસ્ટમ ડ્યૂટી 1 કિગ્રા પર 13.7 ટકા છે. જ્યારે છ મહિનાથી ઓછો સમય રહ્યા હોય તો તેના પર 38.50 ટકા ડ્યુટી લાગુ થાય છે. જો તમારૂ સોનુ ડ્યુટી ફ્રી મર્યાદા કરતાં વધુ હોય તો તેની જાણ એરોપોર્ટ પર કરવી આવશ્યક છે.