Gold Boom: શું સોનુ ઝડપી રૂ. 80000નો રેકોર્ડ બનાવશે? અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ આજે આસમાને

Updated: May 20th, 2024


Google NewsGoogle News
Gold Boom: શું સોનુ ઝડપી રૂ. 80000નો રેકોર્ડ બનાવશે? અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ આજે આસમાને 1 - image


Gold Price Today: વૈશ્વિક કિંમતી ધાતુ બજારમાં તેજીના સથવારે આજે અમદાવાદમાં સોના-ચાંદીના રેકોર્ડ ભાવ નોંધાયા છે. અમદાવાદમાં સોનાની કિંમતમાં રૂ. 900 અને ચાંદીમાં રૂ. 1500નો ઉછાળો નોંધાયો છે.

અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનુ (999) રૂ. 900 ઉછળી રૂ. 77000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 1500 ઉછળી રૂ. 91500 પ્રતિ કિગ્રાની સર્વોચ્ચ ટોચે પહોંચી હતી. કિંમતી ધાતુમાં આગઝરતી તેજી વચ્ચે સોનુ ઝડપથી રૂ. 80000નું લેવલ ક્રોસ કરે તેવી સંભાવના કોમોડિટી નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

મુંબઈમાં લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી આજે એમસીએક્સ બજાર પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બંધ રહ્યું હતું. સાંજે 5 વાગ્યાના સેશનમાં સોનાનો 5 જૂનનો વાયદો રૂ. 249 ઉછળી રૂ. 73960 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 5 જુલાઈ વાયદો રૂ. 1146 ઉછળી રૂ. 92170ની રેકોર્ડ ટોચે પહોંચી હતી.

કિંમતી ધાતુમાં તેજીના કારણો

અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની તીવ્ર સંભાવના

રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ, ઈરાન-અમેરિકા વચ્ચે જારી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ

ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થતાં ઈરાનના અમુક સત્તાધીશો દ્વારા ઈઝરાયલ અને અમેરિકા પર આરોપો

વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ડોલરની વેચવાલી નોંધાતા ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે સોનુ ઝડપથી 2500 ડોલર થશે

વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીની કિંમતોએ નવી રેકોર્ડ ટોચ નોંધાવતા કોમોડિટી નિષ્ણાતોએ ઝડપથી 2500 ડોલર પ્રતિ ઔંશ થવાનો ટાર્ગેટ આપ્યો છે. જેનુ રેઝિસ્ટન્સ લેવલ 2460 ડોલર અને સપોર્ટ લેવલ 2420 ડોલર પ્રતિ ઔંશ નિર્ધારિત કર્યું છે. સ્પોટ ગોલ્ડ 1 ટકા વધી 2440 ડોલર પ્રતિ ઔંશની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું. સ્પોટ ચાંદી પણ 1.3 ટકા ઉછાળા સાથે 31.89 ડોલર પ્રતિ ઔંશની 11 વર્ષની ટોચે પહોંચી હતી.


Google NewsGoogle News