સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન
Gold Price All Time High Reasons: વિશ્વની ટોચની બે મહાસત્તા વચ્ચે ભીષણ ટ્રેડવૉરના કારણે વિશ્વભરમાં મંદીનું સંકટ વધ્યું છે. જેના પગલે કિંમતી ધાતુ બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું છે. છેલ્લા એક માસમાં સોનાનો ભાવ રૂ. 6000 વધી રૂ. 1,00,000 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક લેવલે પહોંચ્યો છે. એમસીએક્સ સોના અને વર્લ્ડ કોમેક્સ સોનું પણ રૅકોર્ડ ટોચે પહોંચ્યું છે. સોનામાં આક્રમક તેજીનું એક કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના જ દેશની સેન્ટ્રલ બૅન્ક ફેડ રિઝર્વના ચેરમેનની ટીકા કરવાનું પણ છે.
સોના-ચાંદીમાં ઉછાળા પાછળનું કારણ
અમેરિકામાં મંદીના વાદળોઃ ટેરિફવૉરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાનું જોખમ વધ્યું છે. જેનાથી આર્થિક મંદીના વાદળો ઘેરા બન્યા છે. આ પડકારો વચ્ચે હાલમાં જ ટ્રમ્પે ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરતાં કહ્યું કે, જો તેઓ વ્યાજના દરોમાં ઘટાડો નહીં કરે તો અમેરિકામાં મંદી આવશે. પરંતુ ફેડએ અગાઉ જ નિવેદન આપી દીધું હતું કે, તેઓ વર્તમાન ટેરિફના માહોલમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની ઉતાવળ કરશે નહીં. ટેરિફના કારણે દેશમાં ફુગાવો ફાટી નીકળવાની શક્યતાઓ વધી છે. અમેરિકામાં મંદીની ભીતિ સુનિશ્ચિત થતાં સોના-ચાંદીમાં ખરીદી વધી છે.
ડૉલર ઇન્ડેક્સ ત્રણ વર્ષના તળિયેઃ વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડૉલર ઇન્ડેક્સ સતત તૂટી રહ્યો છે. 2 એપ્રિલે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાતથી જ ડૉલર નબળો પડ્યો છે. જેના લીધે ડૉલર ઇન્ડેક્સ 109ના રૅકોર્ડ લેવલથી કડડભૂસ થઈ 98.27 થયો છે. રૂપિયો આજે ડૉલર સામે 34 પૈસા સુધરી 85.09 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેના લીધે બુલિયનમાં ખરીદી વધી છે.
આ પણ વાંચોઃ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી
સેન્ટ્રલ બૅન્કો દ્વારા ખરીદીઃ ડ્રેગન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉર, અન્ય દેશો પર ટેરિફવૉરના કારણે વૈશ્વિક સ્તરે મંદીના સંકટ વચ્ચે ચીન, ભારત, યુરોપ સહિતની સેન્ટ્રલ બૅન્કોએ સોનામાં ખરીદી વધારી છે. સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ વર્તમાન પડકારોમાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે. જેના લીધે કિંમતી ધાતુની માગ વધતાં સોના-ચાંદીના ભાવ વધી રહ્યા છે.
શેરબજારમાં કડાકાની અસરઃ જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બૅન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. મોટો કડાકો નોંધાતા સોના-ચાંદીની માગ વધી છે.
સોનામાં ચાર માસમાં 27 ટકા રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે.