સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર: મંદીની શક્યતાઓના કારણે ભાવમાં તેજી
Gold Price Hits ₹1 Lakh : ટ્રેડવોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં આજે સોનું રૂ. 2000 ઉછળી રૂ. 101500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જે ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.
દિલ્હીમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ આજે રૂ. 1650 ઉછળી રૂ. 99800એ પહોંચ્યો છે. જેનો રિટેલ ભાવ રૂ. 1,00,000 ક્રોસ થયો છે. એમસીએક્સ સોનું રૂ. 98910 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં પણ સોનાનો ભાવ આજે ઉછાળા સાથે 1,00,000ની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડ રિઝર્વના જેરોમ પોવેલના નિર્ણય પર કટાક્ષ કરતાં અમેરિકામાં રાજકીય તણાવ વધ્યો છે. ફેડ રિઝર્વે અમેરિકામાં ફુગાવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટના કારણે રોકાણકારો બુલિયન તરફ ડાયવર્ટ થયા છે. સ્પોટ ગોલ્ડ 3494.66 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 1.7 ટકા ઉછાળા સાથે 3482.26 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.
એપ્રિલમાં સોનાનો ભાવ રૂ. 6000 વધ્યો
ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે.