સોના-ચાંદી બજારમાં તહેવારો ટાણે ઘરાકીમાં વધારો, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: શ્રાવણ માસની શરૂઆત થતાં જ તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. જેના પગલે કિંમતી ધાતુ બજારમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી છવાયેલા મંદીના વાદળો દૂર થતાં નજરે ચડ્યા છે. ભાવમાં સતત વૃદ્ધિના પગલે સોના-ચાંદીની માગ સ્થાનિક બજારમાં નહિંવત્ત જોવા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં ઘટાડો અને સ્થિરતાના કારણે સેફ હેવન ખાસ કરીને ચાંદીની માગ વધી છે.
અમદાવાદમાં સોનુ રૂ. 1100 મોંઘુ થયું
અમદાવાદમાં આજે સોનાની કિંમત રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહી હતી. જે ગઈકાલની રૂ. 71600 પ્રતિ 10 ગ્રામની તુલનાએ રૂ.1100 વધી છે. બીજી બાજુ ચાંદી રૂ. 800 મોંઘી થઈ રૂ. 81500 પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વધારાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.
આ પણ વાંચોઃ હવે ચેક ક્લિયરિંગ્સમાં રાહ જોવી નહીં પડે, આરબીઆઈ ટૂંકસમયમાં લાવી રહી છે આ સિસ્ટમ
સોના-ચાંદીના ભાવ જુલાઈમાં ઘટ્યાં
વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે મેથી જૂન દરમિયાન કિંમતી ધાતુ બજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી. જો કે, જુલાઈથી ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સ્થાનીય બજારમાં સોનુ રૂ. 2200 પ્રતિ 10 ગ્રામ (2.96 ટકા) અને ચાંદી રૂ. 6000 પ્રતિ 1 કિગ્રા (6.67 ટકા) સસ્તુ થયું છે. ભાવમાં ઘટાડાના લીધે ઘરાકી વધી છે. જો કે, હવે ફરી ભાવ વધી રહ્યા હોવાથી રિટેલ વેપારીઓ ઘરાકી વધશે કે કેમ તેની અસમંજસમાં છે.અગાઉ 20 મે, 2024માં સોનુ રૂ. 77000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 93000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ ટોચે પહોંચી હતી.
શું ભાવ ઘટશે
અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારાએ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા થોડા મહિનામાં જોવા મળેલી ઘરાકીમાં મંદી ઘટી છે. પરંતુ ગતવર્ષની તુલનાએ ઘરાકી હજી નોંધાઈ નથી. છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં ઘટાડો થવાથી આગામી તહેવારોની સિઝનમાં માગ વધવાની શક્યતા છે. જો કે, કિંમતી ધાતુ બજાર વૈશ્વિક પરિબળો પર નિર્ભર હોવાથી ભાવમાં વધુ મોટો ઘટાડો થાય તેવા સંકેતો જણાઈ રહ્યા નથી.