સોનામાં જોરદાર તેજી વચ્ચે છેલ્લા 1 વર્ષમાં મળ્યું 21% રિટર્ન, શું હજી રોકાણ કરવાની તક ખરી?
Investment Tips For Gold: ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, વ્યાજદરોમાં ઘટાડાની શક્યતા વચ્ચે કિંમતી ધાતુમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. દેશમાં સોનાના ભાવ છેલ્લા એક વર્ષમાં 21.24 ટકા વધ્યા છે. જ્યારે ઓક્ટોબર-23ના લેવલથી તેમાં 38 ટકા રિટર્ન છૂટ્યું છે.
ગુજરાતીઓને એક વર્ષમાં 21 ટકા રિટર્ન
અમદાવાદના સ્થાનિક ભાવ પર નજર કરીએ તો, ગુજરાતીઓને સોનામાં છેલ્લા એક વર્ષમાં 21થી 23 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. ગત 6 સપ્ટેમ્બર, 2023માં રૂ. 61200 પ્રતિ 10 ગ્રામ (999)ના ભાવે ખરીદેલા સોનાની કિંમત આજે રૂ. 74200 પ્રતિ 10 ગ્રામ થઈ છે. એવી જ રીતે ચાંદીની કિંમત પણ સમાન ગાળામાં રૂ.11500 વધી રૂ. 84500 પ્રતિ કિગ્રા થઈ છે.
સોનામાં તેજીના કારણો
છેલ્લા લગભગ એક વર્ષથી સોનાની માગ સતત વધી રહી છે. જેના કારણે ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો અને આર્થિક અનિશ્ચિતતાઓ જેવા પરિબળોના કારણે સોનાની માગ વધી છે. રોકાણકારો ઉપરોક્ત પરિબળોમાં સોનાની ખરીદી વધારે છે, જેથી તેઓ મંદીના માહોલમાં હેજિંગ કરી પોતાના પોર્ટફોલિયોમાં થતા નુકસાનમાં ઘટાડો કરી શકે અને રિટર્ન પણ મેળવી શકે.
શું સોનામાં હજી રોકાણની તક?
છેલ્લા એક મહિનાથી સોનાના ભાવ સ્થિર જોવા મળ્યા છે. અમદાવાદમાં પણ સોનાની કિંમત રૂ. 7400-74200 પ્રતિ 10 ગ્રામની એવરેજમાં સ્થિર રહી છે. જો અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો તેની અસર કિંમતી ધાતુ પર પડશે. રોકાણકારોની નજર અમેરિકી જોબ ડેટા પર છે. તેના પરથી ફેડ સપ્ટેમ્બરમાં વ્યાજના દરોમાં વધ-ઘટનો નિર્ણય લેશે. જેથી હાલ રોકાણકારો રાહ જોઈ રહ્યા છે. જો કે, બીજી તરફ અમેરિકામાં મંદી વધવાની વકી છે, જો આમ થાય તો પણ સોનાની માગ વધશે.
ચીનમાં સારી માગ રહેવાની શક્યતા
સોનામાં હજી મધ્યમ ગાળામાં તેજી રહેવાની સંભાવાન છે. જેનુ બીજુ કારણ સોનાનો સૌથી વધુ વપરાશ કરતાં દેશો પૈકી એક ચીનમાં માગ વધી છે. અન્ય દેશો દ્વારા સોનાની ઉંચી કિંમતોના કારણે પ્રોફિટ બુકિંગ વધશે, તો ચીન પોતાની ખરીદી વધારશે.
આયાત ડ્યુટી ઘટતાં સોનામાં આકર્ષણ
કેન્દ્રીય બજેટમાં સોના પર આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરવામાં આવી છે. જે 2013 બાદની સૌથી ઓછી આયાત ડ્યુટી છે. આયાત ડ્યુટીમાં ઘટાડાના કારણે સોનાની દાણચોરી ઘટશે. અને સત્તાવાર માગ વધશે. બીજી તરફ ફેડ દ્વારા વ્યાજના દરો ઘટે તો ડોલર ઈન્ડેક્સ નરમ પડી શકે છે. જેની અસર પણ સોનામાં રોકાણ પર જોવા મળશે.
રોકાણકારોએ શું કરવુ જોઈએ?
નિષ્ણાતોના મતે, સોનામાં ટૂંકા ગાળા માટે કરેક્શન કે વોલેટિલિટી જોવા મળી શકે છે. પરંતુ મધ્યમથી લાંબા ગાળાની દ્રષ્ટિએ સોનામાં રોકાણ કરવા સલાહ છે. ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં રાખતાં સોનામાં તેજી જળવાઈ રહેવાનો આશાવાદ છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.