લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદી સસ્તા થયાં, આ સપ્તાહે રૂ. 3000થી વધુનો ઘટાડો, જાણો આગામી સ્થિતિ
Gold Price Today: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુમાં મંદીનું જોર વધતાં સ્થાનિક બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે દેશમાં શરૂ થયેલી લગ્નસરાની સિઝન માટે ખુશીના સમાચાર છે. અમદાવાદમાં આ સપ્તાહમાં સોનાનો રિટેલ ભાવ રૂ. 3300 ઘટ્યો છે. જ્યારે ચાંદી પણ રૂ. 3000 પ્રતિ કિગ્રા સસ્તી થઈ છે.
અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગત શનિવારે સોનું રૂ. 80000 પ્રતિ 10 ગ્રામના સ્તરે બોલાઈ રહ્યું હતું. જેની કિંમત આજે રૂ. 76700 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે ચાંદી રૂ. 91500 પ્રતિ કિગ્રાથી સસ્તી થઈ રૂ. 88500 પ્રતિ 1 કિગ્રા પર ક્વોટ થઈ રહી છે. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ મોટો કડાકો નોંધાયો છે.
એમસીએક્સ ગોલ્ડ રૂ. 3,257 અને ચાંદીમાં રૂ.3,443નું ગાબડું
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.77,380ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,628 અને નીચામાં રૂ.73,300ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,257 ઘટી રૂ.74,154ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.2,231 ઘટી રૂ.60,525 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.217 ઘટી રૂ.7,545ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.3,235 ઘટી રૂ.74,151ના સ્તરે પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ GST કાઉન્સિલની બેઠક નવેમ્બરમાં નહીં યોજાય, આ મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,224ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,476 અને નીચામાં રૂ.86,844ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,443 ઘટી રૂ.88,870ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,490 ઘટી રૂ.88,614 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,486 ઘટી રૂ.88,618 બંધ થયો હતો.
સોના-ચાંદીના ભાવ ઘટવાની વકી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના કારણે ફુગાવો વધવાના અને ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે સોના-ચાંદીના ભાવોમાં ધરખમ ઘટાડો આવ્યો છે. રોકાણકારો રેકોર્ડ ટોચેથી પ્રોફિટ બુકિંગ પણ કરતાં પણ જોવા મળ્યા છે. જેથી જ્યાં સુધી ટ્રમ્પ સત્તા ન સંભાળે અને પોતાની નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી સોના-ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા સાથે ઘટાડો જોવા મળી શકે છે.