સોનું આજે વધુ 1300 રૂપિયા સસ્તું થયું, ચાંદીમાં રૂ. 3500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Price Today: વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે કિંમતી ધાતુમાં કડાકાની અસર સ્થાનિક બજારોમાં પણ જોવા મળી છે. આ સપ્તાહમાં અત્યારસુધીમાં સોના-ચાંદીના ભાવમાં રૂ. 3500નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ઓલટાઈમ હાઈથી સોનું રૂ. 5800 પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જે 30 ઓક્ટોબરે રૂ. 82300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે હતું.
અમદાવાદમાં આજના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે ગુરૂવારે સોનું વધુ રૂ. 1300 સસ્તુ થઈ રૂ. 76500 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની કિંમત રૂ. 3500 ઘટી રૂ. 88000 પ્રતિ કિગ્રા થઈ હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ સ્પોટ 25.70 ડોલર તૂટી 2560.80 પ્રતિ ઔંશ સાથે આઠ સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ચાંદીનો ભાવ 0.588 ડોલર તૂટી 30.07 ડોલર પ્રતિ ઔંશ થયો હતો.
કિંમતી ધાતુ હજુ તૂટશે?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ફુગાવા તરફી નિર્ણયો લેવાની આશંકા છે. જેના પગલે ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ પણ નવી ઊંચાઈએ પહોંચી છે. યુએસ ડોલર વર્ષની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. પરિણામે કિંમતી ધાતુનો ચાર્મ ઘટ્યો છે. કિંમતી ધાતુમાં હજી ઘટાડાની સંભાવનાઓ કોમોડિટી નિષ્ણાતો જણાવી રહ્યા છે.
MCX ગોલ્ડ રૂ.932 અને ચાંદીમાં રૂ.2,053નો કડાકો
એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં કડાકો નોંધાયો છે. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.73995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.73996 અને નીચામાં રૂ.73300ના સ્તરને સ્પર્શી, રૂ.74482ના આગલા બંધ સામે રૂ.932ના ભાવઘટાડા સાથે રૂ.73550ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.601 ઘટી રૂ.60140ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.91 ઘટી રૂ.7484ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.955ના ભાવઘટાડા સાથે રૂ.73559ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89000 અને નીચામાં રૂ.86844ના મથાળે અથડાઈ, રૂ.89197ના આગલા બંધ સામે રૂ.2053ના ભાવઘટાડા સાથે રૂ.87144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2028 ઘટી રૂ.87046ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.2009 ઘટી રૂ.87048ના ભાવ થયા હતા.