ડોલર નબળો પડતાં કિંમતી ધાતુમાં તેજી, સોનુ ઝડપથી 90000 થશે, ચાંદીની પણ ફરી એક લાખ તરફ કૂચ
Gold rate today: અમેરિકાનો ડોલર નબળો પડતાં કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. જેના લીધે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઊંચકાયા છે. એમસીએક્સ ગોલ્ડ આજે રૂ. 85200 પ્રતિ 10 ગ્રામની સપાટીએ ખૂલ્યાં બાદ રૂ. 85420 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયુ હતું. એમસીએક્સ ચાંદી પણ 95919 પર ટ્રેડ થઈ રહી હતી.
અમદાવાદમાં ગઈકાલે સોનાનો ભાવ રૂ. 1000 ઘટી રૂ. 88000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદી પણ રૂ. 1500 ઘટી રૂ. 95000 પ્રતિ કિગ્રા બોલાઈ રહી હતી. તે અગાઉ 16 ફેબ્રુઆરીએ સોનું રૂ. 89000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. સોના-ચાંદીમાં આકર્ષક તેજીના પગલે અમદાવાદમાં સોનાની કિંમત ઝડપથી 90000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચે તેવો આશાવાદ કોમોડિટી નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ચાંદી પણ ફરી એક લાખ રૂપિયા પ્રતિ કિગ્રાની સપાટી વટાવે તેવો સંકેત મળ્યો છે.
સોના-ચાંદીમાં તેજી
વૈશ્વિક સ્તરે ટેરિફ-ટ્રેડ વોરના કારણે કિંમતી ધાતુની માગ વધી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી ગાળામાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ સૌથી મોટું કૌભાંડ છે USAID: અમેરિકાનું ફંડિંગ બંધ થવા મુદ્દે PM મોદીના સલાહકારનો પલટવાર
વૈશ્વિક બજારોમાં સોનાની કિંમત આજે 21.70 ડોલર વધી 2944.20 ડોલર પ્રતિ ઔંશ પર ટ્રેડ થઈ રહી હતી. ચાંદી પણ 32.92 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી છે. જો કે, બીજી તરફ કોપર, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી અન્ય કિંમતી ધાતુમાં આજે પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો.
રૂપિયો આઠ પૈસા તૂટ્યો
છેલ્લા એક માસની તુલનાએ ડોલર ઈન્ડેક્સ 1.05 ટકા તૂટ્યો છે. જો કે, આજે ડોલર ઈન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળતાં રૂપિયો ફરી પાછો તૂટ્યો છે. ડોલર સામે રૂપિયો આજે 8 પૈસા તૂટી 86.96 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સમયથી સતત તૂટી રહેલો રૂપિયો 87.95ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો.