કિંમતી ધાતુમાં તેજીનું ઘોડાપૂર, સોનું ફરી 92000ની રૅકોર્ડ સપાટીએ, ચાંદીમાં રૂ. 1000નો ઉછાળો
Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓટો ટેરિફની જાહેરાત તેમજ આગામી સપ્તાહે લાગુ થનારા રેસિપ્રોકલ ટેરિફ પ્રત્યેની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજાર તેજીમય બન્યું છે. વૈશ્વિક સ્તરે સોનાએ રૅકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ આજે સ્થાનિક બજારમાં પણ સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.
અમદાવાદમાં સોનાની કિંમત આજે વધુ રૂ. 500 ઉછળી નવી રૂ. 92000 પ્રતિ 10 ગ્રામની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી છે. ચાંદી પણ લાખેણી થયા બાદ આજે વધુ રૂ. 1000 વધી રૂ. 101000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.
વૈશ્વિક સોનું પણ રૅકોર્ડ ટોચે
વૈશ્વિક સોનું પણ આજે 3086.21 ડૉલર પ્રતિ ઔંશની નવી રૅકોર્ડ ટોચે પોહંચ્યું હતું. ઓટો પર 25 ટકા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરમાં ટ્રેડવોર શરૂ થવાની ભીતિ વધી છે. જેના લીધે ઈક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં અફરાતફરી વચ્ચે ગોલ્ડ ફ્યુચર્સ, સ્પોટ ગોલ્ડમાં ખરીદી વધી છે.
ત્રણ માસમાં સોનું 17 ટકા વધ્યું
ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના માહોલમાં સેફહેવન રોકાણ ઉભરી આવે છે. છેલ્લા ત્રણ માસમાં સોનું 16.90 ટકા અને ચાંદી 16.76 ટકા વધી છે. જેની સામે સમાનગાળામાં સેન્સેક્સ 724.08 પોઇન્ટ તૂટ્યો છે.
MCX સોનામાં રૂ. 358નો ઉછાળો
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10284.33 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88673ના ભાવે ખુલી, ઉપરમાં રૂ.89060 અને નીચામાં રૂ.88605ના મથાળે અથડાઈ, રૂ.88384ના આગલા બંધ સામે રૂ.358 વધી રૂ.88742ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.211 વધી રૂ.71915ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.9056 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.423 વધી રૂ.88636 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.101689ના ભાવે ખુલી, ઉપરમાં રૂ.102040 અને નીચામાં રૂ.101280ના સ્તરને સ્પર્શી, રૂ.101313ના આગલા બંધ સામે રૂ.302 વધી રૂ.101615ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.337 વધી રૂ.101508 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.333 વધી રૂ.101494ના સ્તરે પહોંચ્યો હતો.
ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં ઉછાળો