ટ્રમ્પના નિવેદનોના પગલે સોનું ઉંચકાયું, આજે ભાવ ફરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા
Gold Price All Time High: વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ ગઈકાલે તૂટ્યા બાદ આજે ફરી ઊંચકાઈ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. સ્પોટ અને વાયદા બજારમાં સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદના કિંમતી ધાતુ બજારમાં આજે સોનું રૂ. 500 ઉછળી રૂ. 83000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જ્યારે ચાંદી પણ રૂ. 500 ઉછળી 91000 પ્રતિ કિગ્રાની સપાટીએ પહોંચી છે. અગાઉ બુધવારે સોનામાં રૂ. 82800 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચ નોંધાયા બાદ ગઈકાલે 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ ખાનગી સેક્ટરનો ગ્રોથ મંદ પડ્યો, જાન્યુઆરીમાં PMI ઘટી 14 માસના તળિયે નોંધાયો
સોનામાં તેજી પાછળના કારણો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક ધોરણે વ્યાજના દરો ઘટાડવા અપીલ કરી છે. તેમજ તેમની વેપાર નીતિઓ પ્રત્યે રહેલી અનિશ્ચિતતાઓ પણ ધીમે ધીમે દૂર થઈ રહી હોવાથી સોના-ચાંદી બજાર ઉછળ્યા છે. રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થતાં ડોલર એક માસના તળિયે પહોંચ્યો છે. આગામી સપ્તાહે ફેડ રિઝર્વની બેઠક પહેલાં ટ્રમ્પનું આ નિવેદન અસરકારક નીવડી શકે છે.
વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ 19.30 ડોલર ઉછળી 2784.30 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 31.37 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી હતી. આ સાથે સોનાની કિંમત ચાર સપ્તાહની ટોચે પહોંચી છે.
એમસીએક્સ સોના-ચાંદીમાં આગેકૂચ
એમસીએક્સ ખાતે સોના-ચાંદી વાયદામાં આકર્ષક વોલ્યૂમ જોવા મળ્યા હતા. સાંજના ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ સોનું (5 ફેબ્રુઆરી) રૂ. 407 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો (5 માર્ચ) રૂ. 898 ઉછળી 92020 પ્રતિ 1 કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો.