સોનાના ભાવ આજે ફરી ઓલટાઈમ હાઈ, 35 દિવસમાં રૂ. 7000 મોંઘુ થયું, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મુદ્દે વિવિધ જાહેરાતો અને ફુગાવાની વધતી ચિંતા વચ્ચે સોના-ચાંદીમાં તેજી આવી છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું રૂ. 2300 અને ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી (35 દિવસ)માં રૂ. 6985 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. સોનાની વધતી કિંમતોના પગલે રોકાણકારોને છેલ્લા 35 દિવસમાં 8.89 ટકા રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ ઓલટાઈમ હાઈ નજીક પહોંચ્યો હતો. જે આજે 0.3 ટકા ઉછળી 2820.69 ડોલર પ્રતિ ઔંશ નોંધાયો હતો. જે ગત સેશનમાં 2830.49 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
અમદાવાદમાં સોનું સર્વોચ્ચ ટોચે
અમદાવાદમાં સોનાની કિંમત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ નવી રેકોર્ડ સપાટી નોંધાવી રહી છે. આઈબીજેએના ડેટા અનુસાર, અમદાવાદમાં આજે સોનાના ભાવ રૂ. 85685 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા હતાં. જે ગઈકાલે રૂ. 85300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે હતો. ગત સપ્તાહથી કિંમતી ધાતુમાં જોવા મળેલી તેજીમાં સોનાની કિંમત રૂ. 2300 પ્રતિ 10 ગ્રામ વધી છે. ચાંદી પણ રૂ. 93000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી.
છેલ્લા 35 દિવસમાં સોનામાં 9 ટકા ઉછાળો
ચાલુ કેલેન્ડર વર્ષમાં સોના-ચાંદીમાં આકર્ષક તેજી જોવા મળી છે. છેલ્લા 35 દિવસમાં સોનામાં 8.89 ટકા ઉછાળો નોંધાયો છે. અમદાવાદ બુલિયન બજાર અનુસાર, 31 ડિસેમ્બરે સોનાની કિંમત રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ હતી. જે આજે વધી રૂ. 85686 પ્રતિ 10 કિગ્રા પર ક્વોટ થઈ રહી છે.
ટ્રમ્પ ઈફેક્ટ
કિંમતી ધાતુ બજારમાં ટ્રમ્પના નિર્ણયોની અસર વધી છે. ગઈકાલ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. જો કે, બાદમાં તુરંત જ કેનેડા અને મેક્સિકોને ટેરિફ લાદવા મુદ્દે 30 દિવસની છૂટ આપી હતી. જ્યારે ચીન પર તાત્કાલિક ધોરણે ટેરિફ લાગુ કર્યો હતો. ટ્રમ્પના ફુગાવા તરફી નિર્ણયોના પગલે ફોરેક્સ માર્કેટ નબળું પડ્યું છે. ડોલર ઈન્ડેક્સ રેડઝોનમાં રહેતાં કિંમતી ધાતુ બજારમાં તેજી નોંધાઈ હતી. બીજી તરફ સ્થાનિક બજારોમાં શરૂ થયેલી લગ્ન સિઝનની અસર પણ જોવા મળી છે.