બે દિવસમાં સોનામાં રૂ.1,000 તથા ચાંદીમાં રૂ.4,000નું ગાબડું : ક્રૂડ ઘટયા પછી ફરી ઉંચકાયું
- વિશ્વ બજારમાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો : ભારતમાં આર્જેન્ટીનાનું ૧૦ લાખ બેરલ્સ ક્રૂડ આવશે
- પેલેડીયમના ભાવ ગબડી નીચામાં ઔંશના ૯૦૦ ડોલર નજીક ઉતર્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મંદી આગળ વધી હતી. વિશ્વ બજારમાં ભાવ વધુ તૂટતાં ઘરઆંગણે તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૦૮થી ૨૬૦૯ વાળા નીચામાં ૨૫૮૯થી ૨૫૯૦ થઈ ૨૬૦૫થી ૨૬૦૬ ડોલર રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૮૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૩૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ ગબડી રૂ.૮૬૦૦૦ બોલાયા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૪૦૦૦ તૂટયા છે જ્યારે સોનાના ભાવ બે દિવસમાં રૂ.૧૦૦૦ ગબડયા છે.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની તથા બોન્ડ યીલ્ડની મજબુતાઈ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૯.૪૦થી ૨૯.૪૧ વાળા નીચામાં ૨૮.૮૧ થઈ ૨૮.૯૦ થી ૨૮.૯૧ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૯૪ ટકા તૂટયા હતા. પ્લેટીનમના ભાવ નીચામાં ઔંશદીઠ ૯૧૭ થઈ ૯૩૨થી ૯૩૩ ડોલર તથા પેલેડીયમના ભાવ નીચામાં ૯૦૧ થઈ ૯૧૦થી ૯૧૧ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ ઘટયા પછી ઉંચાકાય હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૨ થઈ ૭૨.૬૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૮.૪૨ થઈ ૬૯.૦૬ ડોલર રહ્યા હતા.
ઈરાન પર અમેરિકાના નવા અંકુશો વચ્ચે ઈરાનના ક્રૂડની ચીન તરફ થતી સપ્લાય ઘટયાના સમાચાર આવ્યા હતા. દરમિયાન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આર્જેન્ટીનાથી પ્રથમ ઓઈલ કાર્ગોની ખરીદી કરાઈ છે. આશરે દસ લાખ બેરલ્સનો આ ઓઈલ કાર્ગો ફેબુ્રઆરી ડિલીવરીની શરતે ખરીદવામાં આવ્યો છે.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯.૫૦ના રૂ.૭૫૦૭૫ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૩૭૭ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૮૫૧૩૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.