Get The App

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે

- NBFC અને બેંકો પર બમણું દબાણ આવશે

- સોના સામે લોન આપતા એકમોએ નક્કર વસૂલાત અને ગણતરી પદ્ધતિઓ અપનાવવી પડશે જેથી ડિફોલ્ટનો અવકાશ ન રહે

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે 1 - image


અમદાવાદ : જો ગોલ્ડ લોન પર રિઝર્વ બેંકના ડ્રાફ્ટ માર્ગદર્શિકા તેમના વર્તમાન સ્વરૂપમાં લાગુ કરવામાં આવશે તો બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પર ખર્ચનો બોજ વધી શકે છે. જેના કારણે સોના પર મળતી લોન હવે મોંઘી થશે તેમ બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે. આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા મુજબ, બેંકો અને એનબીએફસીએ તેમની બધી શાખાઓમાં પ્રમાણભૂત કાગળકામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત, સોના સામે લોન આપતા એકમોએ પણ નક્કર વસૂલાત અને ગણતરી પદ્ધતિઓ અપનાવવી પડશે જેથી કોઈપણ પ્રકારના ડિફોલ્ટનો અવકાશ ન રહે.

ગોલ્ડ લોન આપતી એક એનબીએફસીના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં, કલેક્શન, પેપરવર્ક અને ગણતરી પ્રક્રિયા વગેરેનો ખર્ચ ૨ ટકા છે. પરંતુ જો રિઝર્વ બેંકના ડ્રાફ્ટ માર્ગદર્શિકાને તેમના વર્તમાન સ્વરૂપમાં લાગુ કરવામાં આવે તો આ ખર્ચ વધીને ૪ થી ૫ ટકા થશે. શાખાઓએ માનકીકરણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી પડશે, જેનાથી ગોલ્ડ લોન મંજૂરી પ્રક્રિયાનો ખર્ચ વધશે.

ડ્રાફ્ટ માર્ગદર્શિકા અનુસાર, ધિરાણ આપતી સંસ્થાઓએ ગીરવે મૂકેલા સોનાની શુદ્ધતા, તેનું વજન (એકંદર અને ચોખ્ખું બંને) વગેરે ચકાસવા માટે એક માનક પ્રક્રિયા તૈયાર કરવી પડશે. આ પદ્ધતિ સંબંધિત ધિરાણકર્તાની બધી શાખાઓમાં સમાનરૂપે લાગુ પડશે. આ ઉપરાંત, સંસ્થાઓએ સોનાની તપાસ માટે એવા પરીક્ષકોની નિમણૂક કરવી પડશે જેમનું ભૂતકાળનું કાર્ય દોષરહિત રહ્યું છે. 

નવી માર્ગદર્શિકા અનુસાર, ધિરાણ આપતી સંસ્થાઓએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે સોનાને ગીરવે મૂકતી વખતે અને લોનની ચુકવણી સમયે અથવા ચુકવણી ન થવાના કિસ્સામાં હરાજીના સમયે સોનાની શુદ્ધતા અને તેના ચોખ્ખા વજનની ગણતરી કરવાની પદ્ધતિમાં કોઈ તફાવત ન હોય.  

નિષ્ણાતો કહે છે કે આ બધી પરિસ્થિતિઓ બેંકો અને એનબીએફસીના સંચાલન ખર્ચમાં વધારો કરશે કારણ કે તેમને સમીક્ષક તરીકે નિષ્ણાત લોકોની નિમણૂક કરવી પડશે.

Tags :