મહિલાઓ ઘરમાં કેટલું સોનું રાખી શકે, શું વેચતી વખતે સરકારને ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું છે નિયમો
Gold Kept At Home Rules: ભારતીયો વર્ષો-પુરાણોથી સોનાના આભૂષણો પ્રત્યે આકર્ષિત રહ્યા છે. ખાસ કરીને મહિલાઓમાં સોના પ્રત્યે આકર્ષણ વધુ જ મળે છે. ભારતમાં વાર-તહેવારે, લગ્ન પ્રસંગો કે શુભ પ્રસંગોમાં અવારનવાર સોના-ચાંદીની ખરીદી થતી હોય છે. સોનાને સૌભાગ્ય અને ધનનું પ્રતિક ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે, ઘરમાં કેટલુ સોનુ રાખી શકાય. અને તેની શું મર્યાદા છે? જો તમે પણ ઘરે સોનુ રાખતા હોવ તો આ અમુક નિયમો વિશે માહિતી મેળવી લેજો, નહિં તો દરોડા કે પેનલ્ટીનો ભોગ બની શકો છો.
સોનાના સંગ્રહ માટે નિયમ
કેન્દ્ર સરકારે નાગરિકો દ્વારા સોનાની ખરીદી, વેચાણ અને સંગ્રહ સંબંધિત અમુક નિયમો ઘડ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર, ઘરમાં તમે નિશ્ચિત પ્રમાણમાં સોનું રાખી શકો છો. જો કે, તમારી પાસે ગમે-તેટલુ સોનું હોય તેનો પુરાવો હોવો જરૂરી છે કે, તમે તે કેવી રીતે મેળવ્યું. આવકવેરા કાયદા અનુસાર, વિવાહિત મહિલાઓ પોતાની પાસે 500 ગ્રામ સોનું રાખી શકે છે. જ્યારે અપરિણિત મહિલાઓ 200 ગ્રામ સુધી સોનું રાખી શકે છે. જ્યારે પરિવારના પુરૂષોને માત્ર 100 ગ્રામ સોનુ રાખવાની મંજૂરી છે.
વારસામાં મળેલા સોના પર કેટલો ટેક્સ
જો તમે કરમુક્ત આવક (જેમ કે કૃષિ) મારફત સોનાની ખરીદી કરી હોય અથવા તો તમને વારસામાં સોનુ મળ્યુ હોય તો તેના પર કોઈ ટેક્સ લાગૂ થતો નથી. આવકવેરાના દરોડામાં પણ નિર્ધારિત મર્યાદામાં સોનુ મળે તો તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. ઘરમાં જમા સોના પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ તેના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે 3 વર્ષ સુધી સોનુ સંભાળી રાખો છો, અને બાદમાં તેને વેચી નફો કમાવો છો, તો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ચૂકવવો પડશે. જેનો દર 20 ટકા છે.
ગોલ્ડ બોન્ડ પર ટેક્સ
જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડને 3 વર્ષની અંદર વેચી દો છો, તો નફા મારફત થનારી આવક પર ટેક્સ લાગૂ થશે. જો તમે 3 વર્ષ બાદ વેચો છો, તો નફા પર 20 ટકા ઈન્ડેક્સેશન અને 10 ટકા નોન ઈન્ડેક્સેશન ટેક્સ લાગૂ થશે. જો બોન્ડ મેચ્યોરિટી સુધી જાળવી રાખો છો, તો તે સંપૂર્ણપણે કરમુક્ત છે.