સોનું રૂ. 80 હજાર, ચાંદી રૂ. 96 હજારની સપાટી કૂદાવી નવા શિખરે
- વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી, દેશના ઝવેરીબજારોમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી
- ચાંદીમાં રૂ.3000નો સ્પ્રિંગ જેવો ઉછાળો : મુંબઈ ખાતે બંધ બજારમાં ચાંદીનો ભાવ રૂ. એક લાખની નજીક પહોંચ્યા
- વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યો
અમદાવાદ, મુંબઈ : દિવાળીનું મહાપર્વ નજીક આવી રહ્યું છે તેમ બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. આજે દિવાળીના દસ દિવસ પહેલાં ભારતના સોના-ચાંદી બજારમાં એક નવો ઇતિહાસ રચાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે સોનાએ રૂ. ૮૦,૦૦૦ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. તો બીજી તરફ મુંબઈ સોના-ચાંદી બજાર આજે બંધ હોવા છતાં પણ ચાંદીએ રૂ. ૯૬,૦૦૦ની સપાટી કૂદાવી હતી. જ્યારે અમદાવાદમાં ૯૫,૦૦૦ની સપાટી કૂદાવી હતી આમ આજે બંને કીમતી ધાતુમાં દિવાળી પૂર્વે નવો ઇતિહાસ રચાયો હતો.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૧૪થી ૨૭૧૫ વાળા વધુ વધી ૨૭૨૧થી ૨૭૨૨ ડોલરની નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૨.૨૯થી ૩૨.૩૦ વાળા વધુ ઉછળી ઉંચામાં ૩૩ ડોલર પાર કરી ૩૩.૭૬ થઈ છેલ્લે ભાવ ૩૩.૭૧થી ૩૩.૭૨ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં દિવાળી પૂર્વે રેકોર્ડ તેજી ઝડપી ગતીએ આગળ વધતી જોવા મળી હતી. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૮૦ હજારની સપાટી પાર કરી ૯૯.૫૦ના રૂ.૮૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૩૦૦ બોલાયા હતા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહીહતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ વિક્રમ તેજી આગળ વધી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૧૦૦ વાળા રૂ.૭૭૪૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૭૪૧૦ વાળા રૂ.૭૭૭૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
ચાંદીના ભાવમાં આજે વિશેષ તેજી જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ ઉછળી રૂ.૯૫૫૦૦ને આંબી ગયા હતા જ્યારે મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૨૮૩ વાળા ઉછળી રૂ.૯૬૭૫૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રૂ.૯૯૬૫૦ આસપાસ બોલાતાં મુંબઈ બજારમાં જીએસટી સાથેના ચાંદીના ભાવ આજે વધી રૂ.એક લાખની સપાટી નજીક પહોંચી ગયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૩.૬૫ વાળા ઘટી ૧૦૩.૪૬ રહ્યાના સમાચાર હતા.
અમેરિકામાં વાર્ષિક બજેટની ખાધ વધી ૧.૮૦ ટ્રીલીયન ડોલર આવ્યાની ચર્ચા હતી. ત્યાં રિટેલ સેલના આંકડા સારા આવતાં તથા બેરોજગારીના દાવા ઘટતાં અને જોબ માર્કેટ મજબુત બનતાં ત્યાં આગળ ઉપર વ્યાજ દરમાં ઘટાડો અપેક્ષાથી વધુ આવવાની શક્યતા જાણકારો હવે બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉંચકાઈ હતી. પ્લેટીનમના ભાવ ૧૦૧૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૮૫ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ છેલ્લે ૧.૩૮ ટકા પ્લસમાં હતા. જોકે વિશ્વબજારમાં વિવિધ કોમોડિટીઝના ભાવ વધી આવ્યા હતા ત્યારે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૪.૪૬ વાળા નીચામાં ૭૨.૫૦ થઈ છેલ્લે ૭૩.૦૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૮૨ વાળા નીચામાં ૬૮.૬૯ થઈ છેલ્લે ભાવ ૬૯.૨૨ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.