ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુભ, રોકાણકારોને છેલ્લા સાત વર્ષથી કમાણી જ કમાણી
Gold Investment Outlook: ધનતેરસના શુભ દિને સોના-ચાંદીની ખરીદી અને રોકાણ શુભ ગણાય છે. આ કિંમતી ધાતુ વાસ્તવમાં રોકાણકારો માટે મંગલમય સાબિત થઈ છે. છેલ્લા સાત વર્ષથી સોના-ચાંદીમાં રોકાણકારોને કમાણી જ કમાણી થઈ છે. 2021ને બાદ કરતાં 2016થી સોનામાં વાર્ષિક ધોરણે આકર્ષક રિટર્ન મળ્યું છે. ગત ધનતેરસે સોના-ચાંદીમાં કરેલું રોકાણ આજે રોકાણકારોને આકર્ષક 30 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યું છે. અમદાવાદ બુલિયન બજારમાં ધનતેરસથી ધનતેરસ સોનાના ભાવ રૂ. 19000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવ રૂ. 25000 પ્રતિ કિગ્રા વધ્યા છે.
સોના કરતાં ચાંદીમાં સવાયુ રિટર્ન
વૈશ્વિક પડકારો વચ્ચે છેલ્લા એક વર્ષથી સોના-ચાંદીની કિંમત સતત વધી રહી છે. તેના કરતાં ચાંદીના રોકાણકારોને સવાયું રિટર્ન મળ્યું છે. અમદાવાદમાં ધનતેરસથી ધનતેરસ સોનામાં 10 ગ્રામદીઠ 30.64 ટકા જ્યારે ચાંદીમાં કિગ્રાદીઠ 34.72 ટકા ઉછાળો નોંધાયો છે. ગત 10 નવેમ્બરે સોનાની કિંમત રૂ. 62000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત રૂ. 72000 પ્રતિ કિગ્રા હતી. ગઈકાલે સોનું રૂ. 81000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 97000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી.
સોના કરતાં ચાંદી આઉટપર્ફોર્મર રહેશે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિઝના કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ માનવ મોદીના જણાવ્યા પ્રમાણે, જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, અમેરિકામાં ચૂંટણી અંગે અનિશ્ચિતતાઓ, ફેડ રેટ કટ જેવા પરિબળોના કારણે સોના-ચાંદીમાં પોઝિટિવ ટ્રેન્ડ રહેવાની શક્યતા છે. ટૂંકા ગાળા માટે 5થી 7 ટકા સુધીનું કરેક્શન આવી શકે છે. પરંતુ આગામી મધ્યમથી લાંબા ગાળા માટે સોના-ચાંદીનો આઉટલુક પોઝિટિવ છે. ઔદ્યોગિક માગ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ચાંદી સોના કરતાં વધુ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા દર્શાવાઈ છે. આગામી એક વર્ષમાં એમસીએક્સ ખાતે ચાંદી રૂ. 1,25,000 પ્રતિ કિગ્રા અને કોમેક્સ ચાંદી 40 ડોલર પ્રતિ ઔંસનું લેવલ કુદાવશે. એમસીએક્સ સોનું આગામી એક વર્ષમાં રૂ. 86000 પ્રતિ 10 ગ્રામ અને કોમેક્સ સોનુંં 3000 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચવાનો આશાવાદ છે.
છેલ્લા સાત વર્ષમાં સોનામાં રોકાણકારો કમાયા
સ્રોતઃ મોતીલાલ ઓસ્વાલ |
દિવાળી પૂર્વે અને દિવાળી બાદ સોનાની ચાલ
ડિસ્ક્લેમરઃ
(અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી પૂરતી જ છે. જે રોકાણ કરવા અંગે સલાહ કે સૂચન કરતી નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)