Gold Investments: સોનામાં પ્રોફિટ બુક કર્યા બાદ આ બાબતને ધ્યાનમાં લેજો, નહિં તો ઈનકમ ટેક્સની નોટિસ મળી શકે
Gold Investments: સ્થાનીય બજારોમાં સોનાની કિંમત 74 હજારની સપાટી વટાવી રેકોર્ડ ટોચે પહોંચી છે, એમસીએક્સ સોનુ પણ 71 હજાર ક્રોસ થયું છે. સોનાની તેજીનો લાભ લેતાં પ્રોફિટ બુક કરવા માગતા રોકાણકારોએ આ બાબતોને ધ્યાનમાં રાખવી આવશ્યક છે, નહિં તો ઈનકમ ટેક્સની નોટિસ આવી શકે છે.
સોનામાં રોકાણ પર થતા નફા પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવાનો હોય છે. જો તેમાં થતા નફા પર ટેક્સ ચૂકવશો નહિં તો તમારા વિરૂદ્ધ ઈનકમ ટેક્સની નોટિસ જારી થઈ શકે છે. ફિઝિકલ ગોલ્ડ 3 વર્ષની અંદર વેચવામાં આવે તો તેના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણાય છે. તેના પર મળતા નફા પર ઈનકમ ટેક્સ સ્લેબ અનુસાર, ટેક્સ લાગૂ થાય છે.
ફિઝિકલ ગોલ્ડ પર 20.8 ટકા ટેક્સ
સોનાના દાગીના, સિક્કા સહિત ફિઝિકલ સોનામાં રોકાણ પર 3 વર્ષમાં પ્રોફિટ બુક કરવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે 3 કે તેથી વધુ વર્ષ જુનુ સોનુ વેચી નફો બુક કરો તો 20.8 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગૂ થાય છે.
ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ઉપરાંત સોવરિન ગોલ્ડ બોન્ડમાં પણ ફિઝિકલ ગોલ્ડની જેમ ટેક્સ લાગૂ થાય છે. તદુપરાંત ગોલ્ડ બોન્ડ પર મળતા 2.50 ટકાના દરે વ્યાજ પર પણ ટેક્સ લાગૂ છે. જ્યારે 8 વર્ષ બાદ તેના પર મળતા કેપિટલ ગેઈન પર સંપૂર્ણપણે કર માફી મળે છે. ગોલ્ડ ઈટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ પર પણ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પેટે 20.8 ટકા ટેક્સ ચૂકવવો પડે છે.
આંતરરાષ્ટ્રીય ધોરણે ફેબ્રુઆરીથી સોના પર 17 ટકા યીલ્ડ મળી રહી છે. છેલ્લા 20 વર્ષમાં સોનામાં 1150 ટકા રિટર્ન મળ્યું છે. આ કિંમતી ધાતુએ છેલ્લા એક દાયકામાં 161 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે પાંચ વર્ષમાં 123 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં 17.44 ટકા વધ્યું છે.