સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક
Gold Price All Time High: વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટ વચ્ચે સોના-ચાંદીમાં તેજીનો જુવાળ ફાટી નીકળ્યો છે. વૈશ્વિક સ્તરેથી માંડી સ્થાનિક બજારોમાં સોનું રોજ નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી રહ્યું છે. અમદાવાદમાં સોનાનો ભાવ રૂ. 100000થી માત્ર રૂ. 500 છેટો છે. અર્થાત્ અમદાવાદમાં આજે સોનું વધુ રૂ. 1000 ઉછળી રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જો કે, ચાંદી રૂ. 97000 પ્રતિ કિગ્રાના લેવલે સ્થિર રહી હતી.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની વણસી રહેલી સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક ગ્રોથ મુદ્દે ચિંતા અને ડૉલર નબળો પડતાં સેફહેવન ધાતુમાં ખરીદી વધી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ આજના રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે આજે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે.
એમસીએક્સ સોનું રૅકોર્ડ ટોચે
એમસીએક્સ સોનું પણ આજે રૂ. 97022 પ્રતિ 10 ગ્રામનું રૅકોર્ડ લેવલ વટાવી જવામાં સફળ રહ્યો છે. જે સાંજના સેશનમાં રૂ. 1646ના ઉછાળા સાથે 96900 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું. એમસીએક્સ ચાંદી રૂ. 1263 વધી રૂ. 96300 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. વૈશ્વિક સ્તરે કોમેક્સ સોનું પણ 3407 પ્રતિ ઔંસની રૅકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. જે છેલ્લા એક વર્ષમાં 60 ટકા વધ્યું છે. ડૉલર નબળો પડતાં ગોલ્ડની માગ વધી છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસનું જોખમ, અમેરિકામાં ફુગાવાની ચિંતા, વિશ્વમાં આર્થિક મંદીના સંકેતો સહિતના પડકારોના કારણે કિંમતી ધાતુમાં ખરીદી વધી છે.
ટેરિફવૉરના કારણે અમેરિકાનું અર્થતંત્ર ખરડાઈ જવાના અહેવાલો આવ્યા છે. તેમજ દેવામાં પણ વધારો થવાની ભીતિ વ્યક્ત થઈ છે. આર્થિક મંદીની ભીતિમાં વિશ્વની વિવિધ સેન્ટ્રલ બૅન્કો, ચીન, સંસ્થાકીય રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. એમસીએક્સ સોનામાં રૂ. 93000ના લેવલથી નવી ખરીદી તકો શરુ થવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.