સોનામાં રૂ.85,300ની નવી ટોચ : ટ્રેડવોરના પગલે ક્રૂડમાં તેજીનો ચમકારો
- બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૭ ડોલરની ઉપર ગયા: રૂપિયો ગબડતાં ઝવેરીબજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ
- વિશ્વબજારમાં સોના- ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમમાં બેતરફી ઉછળકુદ
મુંબઈ : કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે અને તેના પગલે ઝવેરીબજારોમાં આજે તેજી જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦થી ૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૫૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૫૩૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૯૩ હજારને આંબી ગયા હતા. કરન્સી બજારમાં આજે રૂપિયો ગબડતાં ડોલર ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી ગયો હતો.
અમદાવાદ સોનામાં આજે રૂ.૮૫૩૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૨૭૭૨ તથા ઉંચામાં ૨૮૦૪ થઈ ૨૮૦૨થી ૨૮૦૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ સોના પાછળ નીચામાં ૩૦.૬૯ તથા ઉંચામાં ૩૧.૪૬ થઈ ૩૧.૩૦થી ૩૧.૩૧ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે બેથી અઢી ટકા વધતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે શરૂ કરેલા ટેરીફ વોરના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉંચકાયું હતું. ટેરીફ વોરના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલ ઊંચકાયું હતું. ટેરીફ વોરના પગલે વૈશ્વિક સપ્લાય રુંધાવાની ભીતી જાણકારો બતાવી રહ્યા હતા.
યુક્રેને રશિયાના મોટા ઓઈલ મથક પર હુમલો કર્યાના સમાચારની અસર પણ વૈશ્વિક ઓઈલ બજાર પર દેખાઈ હતી. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૭.૩૪ થઈ ૭૬.૯૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૭૫.૧૮ થઈ ૭૪.૪૧ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં મોડેથી સોનાના ભાવ વધી ૨૮૦૯થી ૨૮૧૦ ડોલર રહ્યા હતા. ટેરીફ વોરના પગલે કેનેડા તથા મેક્સિકોથી અમેરિકામાં આવતા ઓઈલની સપ્લાય ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૧૯૦૦ વાળા રૂ.૮૨૩૩૩ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૨૨૦૦ વાળા રૂ.૮૨૭૦૪ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૭૦૦ વાળા રૂ.૯૩૩૧૩ રહ્યા હતા.વશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના નીચામા ં૯૬૧ તથા ઉંચામાં ૯૮૫ થઈ ૯૭૩થી ૯૭૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે જોકે એક ટકો નરમ હતા.