જો નુકસાનથી બચવું હોય તો જુની ગોલ્ડ જ્વેલરી એક્સચેન્જ કરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
ઘણી વખત માહિતી ઓછી હોવાના કારણે લોકો જૂના સોનાના દાગીનાની યોગ્ય કિંમત મેળવી શકતા નથી
આથી ભવિષ્યમાં યોગ્ય કિંમત ન મળવા બાબતે અફસોસ ન થાય તે માટે જાણી લો યોગ્ય માહિતી
Gold Exchange: મહિલાઓને સોના પ્રત્યે ગજબનું આકર્ષણ હોય છે. આ ઉપરાંત ભારતમાં મોટાભાગની મહિલાઓ સોનાના ઘરેણાં ખરીદવા અને પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત સુરક્ષિત રોકાણ માટે પણ સોનું એક સારો વિકલ્પ છે. સમયાંતરે સોનાના ભાવમાં વધ ઘટ થતી રહે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં કિંમતમાં 90 ટકાનો વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત જુલાઈ 2018માં રૂ. 30,850 હતી જયારે જુલાઈ 2023 સુધીમાં કિંમત વધીને રૂ. 59,610 થઇ ગઈ હતી. તેમજ હાલ ડિસેમ્બર 2023માં 24 કેરેટ સોનાની કિંમત રૂ. 62,000ને પર કરી ગઈ છે. એવામાં ઘણી વખત માહિતીના અભાવના કારણે લોકો જૂના સોનાના દાગીનાની યોગ્ય કિંમત મેળવી શકતા નથી. આથી આજે આ બાબતે જાણીએ સંપૂર્ણ માહિતી.
કેરેટ એટલે શું?
કેરેટ પરથી સોનાની શુદ્ધતાનો અંદાજ લગાવી શકાય છે. આથી જયારે પણ સોનું ખરીદવા જઈએ ત્યારે ઘરેણાની કિંમત તેની શુદ્ધતા પરથી નક્કી કરવામાં આવે છે. કેરેટના પાંચ પ્રકાર છે. જેમાં.....
- 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું ગણવામાં આવે છે. જેમાં 99.99 ટકા સોનું હોવાથી તેને 999 ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે
- આ સિવાય બીજો પ્રકાર 22 કેરેટ સોનું છે, જેમાં 91.6 ટકા સોનું હોય છે અને બાકીનો ભાગ અન્ય ધાતુનો હોય છે
- ત્યારબાદ 18 કેરેટ સોનું આવે છે તેમાં સોનાનું પ્રમાણ 75 ટકા હોય છે
- જયારે 14 કેરેટ સોનામાં સોનાનું પ્રમાણ 58.3 ટકા હોય છે
- અને 10 કેરેટ સોનામાં 41.7 ટકા સોનાનું પ્રમાણ રહે છે
24k સોનામાંથી નથી બનતી જ્વેલરી
કોઈપણ સોનાના દાગીના પર 24k લખવામાં આવતું નથી કારણ કે તે 100% શુદ્ધ સોનું છે અને કોઈપણ જ્વેલરી બનાવવા માટે અન્ય ધાતુઓનું મિશ્રણ જરૂરી છે. જ્વેલરી બનાવવા માટે તાંબુ, ચાંદી અને પ્લેટિનમ જેવી ધાતુઓ મિક્સ કરવી પડે છે. એ પછી જ કોઈ જ્વેલરી બની શકે છે. મોટાભાગે 22k અથવા 18k સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. જો કે 24k સોનું રોકાણ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જૂની જ્વેલરીની કિંમત કઈ રીતે નક્કી કરવામાં આવે છે?
સમય સાથે જ્વેલરીની ડીઝાઇન અને ટ્રેન્ડમાં ફેરફર થતો હોય છે આથી લોકો નવી જ્વેલરી અને ડીઝાઇનને પ્રાથમિકતા આપતા હોય છે. જો તમે તમારી જૂની જ્વેલરીને બદલવા માંગતા હોય તો તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે વિશ્વાસુ જ્વેલર પાસે જ જ્વેલરી એક્સચેન્જ કરાવવી જોઈએ. જેથી તમારી સાથે છેતરપિંડી ન થાય. ત્યારબાદ જ્વેલરી સાફ કરીને તેના પરથી આર્ટીફિશયલ સ્ટોનને દૂર કરી દેવા જોઈએ. જેથી માત્ર સોનાની કિંમતની ગણતરી કરી શકાય. ત્યારબાદ સોનાની શુદ્ધતા જાણવા માટે તેને XRF મશીનમાં મૂકવામાં આવે છે અને પછી જ્વેલરીને ઓગળવામાં આવે છે. જયારે તે ઓગળે છે ત્યારે તેમાં ગંદકી અથવા તો કોઈપણ નુકસાનને કારણે તેના વજનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તેની કિંમત નક્કી થાય છે.
જૂની જ્વેલરીને ઓગાળ્યા બાદ તેની શુદ્ધતા ફરી એકવાર XRF મશીન દ્વારા તપાસવામાં આવે છે. ત્રણ રીડિંગ લીધા પછી, પીગળેલા સોનાનું ફરી એકવાર વજન કરવામાં આવે છે. આ નવી શુદ્ધતા અને વજનના આધારે અંતિમ કિંમત નક્કી કરવામાં આવે છે. જો તમે આ કિંમતથી સંતુષ્ટ છો, તો આ જૂની જ્વેલરીની કિંમત નવા સોનાના દાગીનાની કિંમતમાં એડજસ્ટ કરવામાં આવે છે.
શું જૂની જ્વેલરીને એક્સચેન્જ કરતી વખતે પીગાડાવી જરૂરી છે?
જો તમે તમારી જૂની જ્વેલરી એ જ દુકાન પર લઈ જાઓ જ્યાંથી તમે તેને પહેલીવાર ખરીદી હોય, તો તેને ઓગળવાની જરૂર નથી. તે જ્વેલરી શોપના બિલ પરથી જ બધી માહિતી મળી જાય છે. જો કે કેટલાક જ્વેલર્સ
25-30 ટકા વેસ્ટેજ ચાર્જ કાપીને તમારી જૂની જ્વેલરીને ઓગાળ્યા વિના એક્સચેન્જ કરી આપે છે. આ સિવાય હોલમાર્કવાળી જ્વેલરીને પીગળવાની જરૂર નથી. કારણ કે તેની શુદ્ધતા BIS એટલે કે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પ્રમાણિત છે.