Gold ETF: દેશમાં ગોલ્ડ ઈટીએફ રોકાણ ચાર માસની ટોચે, વૈશ્વિક સ્તરે 12 મહિના બાદ વૃદ્ધિ
Gold ETF: કિંમતી ધાતુ બજારમાં સોનાના ભાવ છેલ્લા એક મહિનાથી ભારે વોલેટાઈલ રહ્યા છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઓલટાઈમ હાઈ થયા બાદ ઘટ્યા છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની સતત ખરીદી અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભાવમાં વૃદ્ધિના પગલે વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું છે.
દેશના કુલ 17 ગોલ્ડ ઈટીએફમાં મે દરમિયાન રૂ. 827.43 કરોડનું રોકાણ નોંધાયુ છે. જે ગતવર્ષે કુલ 13 ગોલ્ડ ઈટીએફમાં 103.12 કરોડનું ચોખ્ખુ રોકાણ થયુ હતું. 2024ના પ્રથમ પાંચ માસમાં ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. 2459.78 કરોડનું ચોખ્ખુ રોકાણ નોંધાયુ છે. એમ્ફીના આંકડા મુજબ, ગોલ્ડ ઈટીએફમાં એપ્રિલ-24 દરમિયાન રૂ. 395.69 કરોડની વેચવાલી બાદ મેમાં રોકાણ વધ્યું છે.
વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફની વેચવાલી પર બ્રેક
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે સતત 12 મહિને ગોલ્ડ ઈટીએફમાં વેચવાલી નોંધાયા બાદ મેમાં રોકાણ વધ્યું છે. મે-2024 દરમિયાન વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ 0.5 અબજ ડોલર (8.2 ટન સોનુ)ની વૃદ્ધિ થઈ છે. અગાઉ મે-2023માં 1.7 અબજ ડોલર (19.3 ટન સોનુ) રોકાણ થયુ હતું.
વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફ રોકાણ પ્રવાહ
2023માં માર્ચ અને એપ્રિલ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રોકાણ 1.9 અબજ ડોલર (32.1 ટન) અને 0.8 અબજ ડોલર (15.4 ટન) વધ્યું હતું. જ્યારે એપ્રિલ-2022થી ફેબ્રુઆરી-2023 સુધી સતત 11 મહિના સુધી ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ઘટ્યુ હતું. એપ્રિલ-24માં 2.2 અબજ ડોલર (33.2 ટન)નો ઉપાડ થયો હતો.
શું છે ગોલ્ડ ઈટીએફ?
ગોલ્ડ ઈટીએફ એ ભૌતિક સોનાની જેટલુ જ કિંમતી પરંતુ તેનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ)નો ઉદ્દેશ ભૌતિક સોનાની કિંમતોને અનુસરતાં રોકાણકારોને તેની સમકક્ષ રિટર્ન આપવાનો છે. જેમાં સોનાની ગણતરી યુનિટમાં થાય છે. 1 યુનિટ=1 ગ્રામ. અર્થાત તમે લઘુત્તમ 1 ગ્રામ સોનાની ખરીદી ગોલ્ડ ઈટીએફ પેટે કરી શકો છો.