Get The App

વૈશ્વિક સ્તરે ત્રીજા વર્ષે ગોલ્ડ ETFના રોકાણમાં ઘટાડો

- ડિસેમ્બર દરમિયાન ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ ૩.૯ મિલિયન ડોલર વધ્યો

- ૨૦૨૩માં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા નેટ સેલર રહ્યાં

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
વૈશ્વિક સ્તરે ત્રીજા વર્ષે ગોલ્ડ ETFના રોકાણમાં ઘટાડો 1 - image


૨૦૨૩માં સોનામાં ૧૫ ટકા વળતર છતાં પ્રતિકૂળતા

અમદાવાદ : ૨૦૨૩માં સોનાની ચમક શાનદાર રીતે વધી છે અને ગત કેલેન્ડર વર્ષમાં ૧૫ ટકા વળતર આપ્યું છે. અમેરિકામાં વધતા વ્યાજ દરોના વાતાવરણમાં સોનાનું આ પ્રદર્શન નિ:શંકપણે મહત્વનું છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની જંગી ખરીદી અને ભૌગોલિક રાજકીય તણાવ સોનાના ભાવ માટે સૌથી વધુ મદદરૂપ હતા પરંતુ રોકાણની માંગ એટલે કે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૨૦૨૩ દરમિયાન સતત ત્રીજા વર્ષે ઘટયું હતું.

અગાઉ ૨૦૨૦માં સોનાએ જ્યારે નવા ઐતિહાસિક ભાવનો રેકોર્ડ બનાવ્યો હતો, ત્યારે ભાવને સૌથી મોટો ટેકો ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ એટલે કે ઈટીએફનો હતો પરંતુ ૨૦૨૩માં સ્થિતિ અલગ રહી છે. ભાવમાં ઝડપી વધારો થવા છતાં રોકાણની માંગ સુસ્ત રહી છે. માર્ચ-મે ૨૦૨૩ના સમયગાળાને બાદ કરતાં એપ્રિલ ૨૦૨૨થી રોકાણની માંગ સતત નેગેટિવ ઝોનમાં છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં વધારો ત્યારે જ ટકી શકે છે જ્યારે રોકાણની માંગ ઝડપથી વધે. ૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ ૨૧૩૫.૩૯ ડોલર પ્રતિ ઔંસ અને રૂ. ૬૪,૦૬૩ પ્રતિ ૧૦ ગ્રામની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા હતા. 

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે સતત સાતમા મહિને ડિસેમ્બર દરમિયાન ગોલ્ડ ઇટીએફમાંથી આઉટફ્લો ચાલુ રહ્યો હતો. નવેમ્બરમાં ૯૦ કરોડ ડોલર (૯.૪ ટન)ની સરખામણીએ ડિસેમ્બર દરમિયાન ગોલ્ડ ઈટીએફમાંથી ૧.૧ અબજ ડોલર (૯.૬ ટન સોનાના મૂલ્યની સમકક્ષ) પાછી ખેંચવામાં આવ્યું હતુ. એપ્રિલ ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સતત ૧૧ મહિના સુધી ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ઘટયું હતું.

અગાઉ ૨૦૨૦માં સોનાની કિંમતો રેકોર્ડ પર પહોંચી હતી ત્યારે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૪૯.૪ અબજ ડોલર (૮૯૨.૧ ટન) વધ્યું હતું. જોકે તે પછી તે ૨૦૨૧ અને ૨૦૨૨ માં અનુક્રમે ૮.૯ બિલિયન ડોલર (૧૮૮.૮ ટન) અને ૨.૯ બિલિયન ડોલર (૧૦૯.૫ ટન)નો ઘટાડો થયો હતો. કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાંથી કુલ ૧૪.૭ અબજ ડોલર (૨૪૪.૪ ટન) ઉપાડવામાં આવ્યા હતા. 

ડિસેમ્બર દરમિયાન ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ ૩.૯ મિલિયન ડોલર (૦.૧ ટન) વધ્યો છે. હોલ્ડિંગના સંદર્ભમાં તે ગયા મહિનાની સરખામણીમાં ૦.૧% છે. ૨૦૨૩ના અંત સુધીમાં ભારતમાં ગોલ્ડ ઈટીએફ હોલ્ડિંગ ૪૨.૨ ટન પર પહોંચી ગયું છે, જ્યારે ગોલ્ડ ઈટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ વધીને ૩.૨ અબજ ડોલર થઈ છે. સમાન સમયગાળા દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં ૧૦.૯ ટકા (૪.૧ ટન સોનાના મૂલ્યની સમકક્ષ) વધારો થયો છે.

અમેરિકા, બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને કેનેડા આઉટફ્લોની દ્રષ્ટિએ મોખરે રહ્યા. ૨૦૨૩ ગોલ્ડ ઇટીએફમાંથી યુએસ, બ્રિટન, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને કેનેડામાં ગોલ્ડ ઈટીએફમાંથી અનુક્રમે ૪૩૨૨.૫ મિલિયન ડોલર (૭૯.૫ ટન), ૪૮૯૦.૫ મિલિયન ડોલર (-૭૯.૪ ટન), ૪૧૨૪.૩ મિલિયન ડોલર (૬૫.૬ ટન), ૧૫૯૮.૮ મિલિયન ડોલર (૨૧.૩ ટન) અને ૬૮૯.૧ મિલિયન ડોલર (૧૧.૭ ટન) પરત ખેંચ્યા હતા.

ઈન્ફલોની દ્રષ્ટિએ ચીન, જાપાન, ભારત અને તુર્કી અગ્રણી હતા. ચીને ગોલ્ડ ઈટીએફમાં ૨૦૨૩ દરમિયાન ૬૫૪.૧ મિલિયન ડોલર (૧૦ ટન)નું જાપાન, ભારત અને તુર્કીએ ૩૨૫.૨ મિલિયન ડોલર (૫.૧ ટન), ૨૯૫.૩ મિલિયન ડોલર (૪.૧ ટન) અને ૧૬૫.૩ મિલિયન ડોલર (૨.૭ ટન) રોક્યા હતા.


Google NewsGoogle News