સોનાના ભાવ અંગે લેટેસ્ટ અપડેટ, ખરીદવાની તૈયારી હોય તો ખાસ વાંચી લેજો, દિવાળી પૂર્વે ઘરાકી વધી
Gold Demand Outlook: સોના પરની આયાત ડ્યૂટી ઘટ્યા પછી ભાવ રૂ. 6000 પ્રતિ 10 ગ્રામ સુધી ઘટ્યો છે. જો કે, આગામી દિવાળી સુધી સોનું ફરી પાછું રૂ. 75000 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચશે તેવી સંભાવના બુલિયન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. હાલ સોનાનો ભાવ રૂ. 72500 પ્રતિ 10 ગ્રામ આસપાસ છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ્સ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડી 6 ટકા કરી સૌથી પહેલાં તો દાણચોરી કરનારાઓના માર્જિન કાપી નાખ્યા છે. શુદ્ધ સોના પરની ડ્યૂટી ઘટાડવા પાછળનો હેતુ સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટાડવાનો છે. સોનાના ભાવ રૂ. 76000 પ્રતિ 10 ગ્રામ થયા બાદ લેવાલી પર મોટી બ્રેક લાગી હતી. પરંતુ આયાત ડ્યૂટી ઘટતા સોનાના ભાવ રૂ. 70000થી વધુ ઘટ્યા હતા.
ભાવમાં ઘટાડાનો લાભ
આ ભાવે સોનું નહિ મળે અને સોનાનો ભાવ સતત વધતો જ રહેશે તેવી માન્યતા ધરાવતા વર્ગને તકને ઝડપી લીધી છે. સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી ઓગસ્ટથી તહેવારોની સિઝનમાં સોનાની ડિમાન્ડમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. સોના ચાંદી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની ખરીદીનો દોર ઓગસ્ટ, 2024થી માર્ચ, 2025 સુધી ચાલુ રહે તેવી સંભાવના હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ માને છે.
ટેક્સ બોજો ઘટાડવા પણ સોનાની ખરીદી
સોનાના બજારમાં ખરીદી નીકળી હોવાનું એક કારણ દર્શાવતા બજારના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ ૫૦,૦૦૦થી રૂ ૭૫,૦૦૦ કરવાથી કરદાતાનો વેરાનો બોજ ઓછો થયો છે. તેથી તેમના હાથમાં ખર્ચવા માટેના નાણાંમાં વધારો થયો છે. તેથી પણ સોનાની ખરીદી તરફ લોકો વળ્યા છે.
આ પણ વાંચોઃ સોનામાં તેજી, રૂ.73,000 બોલાયા: જો કે ચાંદીમાં બોલેલો રૂ.1,000નો કડાકો
કિંમતી ધાતુની દાણચોરી ઘટશે
એક્ઝિમ ટ્રેડ એટલે કે આયાત અને નિકાસના કાયદાઓના નિષ્ણાત એસ.વી. મોદી કહે છે કે દાણચોરી કરનારા તત્વોની પ્રવૃત્તિ ધીમે ધીમે મંદ પડી જશે. શુદ્ધ સોના અને શુદ્ધ ચાંદી પર 15 ટકા ડ્યૂટી હોવાથી જાતજાતના કીમિયાઓ અપનાવીને દાણચોરીથી સોનું દેશમાં ઘૂસાડવામાં આવતું હતું. દાણચોરીથી આવતું સોનું ઘટશે તો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદવાના પ્રમાણમાં વધારો થશે. બીજી તરફ અશુદ્ધ ફોર્મમાં એટલે કે ગોલ્ડ ડોર અને સિલ્વર ડોર પરની આયાત ડ્યૂટી 14.35 ટકાથી ઘટાડી 5.35 ટકા કરી દેવામાં આવી છે. શુદ્ધ સોના અને ચાંદીના સિક્કા પરની આયાત ડ્યૂટી પણ 15 ટકાથી ઘટાડી 6 ટકા કરી દેવામાં આવી છે.
સોનાના ઘરેણાંની નિકાસ વધશે
સોનાની લગડી કે ચાંદીની ઇંટ આયાત કરીને તેના દાગીના બનાવીને તેની સ્પર્ધાત્મક ભાવથી નિકાસ કરવામો મોકો મળશે. પરિણામે સોનામાંથી દાગીના બનાવી એક્સપોર્ટ કરનારાઓના બિઝનેસને વેગ મળશે. દાગીનાની નિકાસમાં પણ વધારો થશે. સોના ચાંદીના સિક્કા પરની આયાત ડ્યૂટી પણ 15 ટકાથી ઘટાડી 6 ટકા કરવામાં આવી છે. આ તમામ નિર્ણયો સોના અને ચાંદીની ખરીદી તરફ લોકોને લઈ જાય તેમ છે. બીજું, આયાત ડ્યૂટીના ઘટાડાને પરિણામે સ્થાનિક બજારમાં સોનાની આયાત કરીને મૂલ્યવૃદ્ધિ કરનારાઓના માર્જિનમાં સુધારો થશે.
પ્લેટિનમ પણ સસ્તું થશે
સોના અને ચાંદીની જેમ જ પ્લેટિનમ પરની આયાત ડ્યૂટી પણ 15.4 ટકાથી 6.4 ટકા કરી દીધી છે. સોના કરતાં પ્લેટિનમની ધાતુ વધુ કિંમતી છે. તેથી માણેક જેવા કિંમતી પથ્થરો અને હીરાના એટલ કે ડાયમંડના દાગીના બનાવવા માટે સોના કરતાં પ્લેટિનમ વઘુ પસંદ કરવામાં આવી રહી છે. પ્લેટિનમમાં જડવામાં આવેલા માણેક, મોતી કે હીરા પેઢીઓ સુધી યથાવત જળવાઈ રહે છે. બજેટમાં ડ્યૂટી ઘટાડીની જાહેરાત કરવામાં આવી તે પહેલા યુએઈથી 80 ટકા ગોલ્ડનો સમાવેશ કરતા પ્લેટિનમ એલોયની આયાત કરવામાં આવતી હતી. તાજેતરના મહિનાઓમાં પ્લેટિનમ એલોયની આયાતમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. પરિણામે પ્લેટિનમના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ભારતીય બજારમાં ઓછા જોવા મળતા હતા. ભારત અને યુએઈ વચ્ચે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ-સેપા હેઠળ કરાતી આયાતનું આકર્ષણ ઓછું થઈ જશે. તેથી પ્લેટિનમ એલોયની આયાત ઓછી થઈ જશે.