Get The App

ધનતેરસના 10 દિવસ પહેલા રેકૉર્ડ સ્તર પર સોનું, જાણો એક મહિનામાં કેટલું મોંઘું થયું

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ધનતેરસના 10 દિવસ પહેલા રેકૉર્ડ સ્તર પર સોનું, જાણો એક મહિનામાં કેટલું મોંઘું થયું 1 - image


Gold Record Level Before Dhanteras: ધનતેરસના 10 દિવસ પહેલાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં જ નહીં પરંતુ મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર પણ સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 4,132 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જિયો પોલિટિકલ ટેન્શન અને તહેવારોની સિઝનમાં સોનાની માગમાં વધારો થવાના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ તેજી આવી શકે છે. ધનતેરસના દિવસે એમસીએક્સ પર સોનાનો ભાવ 80,000 રૂપિયાની આસપાસ પણ પહોંચી શકે છે. 

એમસીએક્સ પર સોનાએ બનાવ્યો રૅકોર્ડ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે સોનાના ભાવ રૅકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાના ભાવ 77,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા હતા. મોડી રાત્રે જ્યારે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 77,749 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. જો કે, સવારે સોનાનો ભાવ 77,249 રૂપિયા જોવા મળ્યો હતો. શુક્રવારે સોનાનો ભાવ 600 રૂપિયાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

એક મહિનામાં કેટલો થયો વધારો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 5.61%નો વધારો જોવા મળ્યો છે. એનો અર્થ એ કે સોનાના ભાવમાં 4,132નો વધારો જોવા મળી ચૂક્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ સોનાનો ભાવ 73,707 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 18 ઑક્ટોબરના રોજ સોનાનો ભાવ 77,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી દિવસોમાં એટલે કે ધનતેરસ સુધીમાં સોનાનો ભાવ 80 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: 45 વર્ષનું સૌથી વધુ રિટર્ન! 2024માં સોનાએ તોડ્યો રેકૉર્ડ, જાણો ક્યારે કેટલા વધ્યા ભાવ

દિલ્હીમાં સોનાના ભાવ રૅકોર્ડ સ્તર પર

ઓલ ઇન્ડિયા બુલિયન ઍસોસિયેશનના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં મજબૂત માગના કારણે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું 550 રૂપિયાની તેજી સાથે 79,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રૅકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9% શુદ્ધ સોનું 79,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સતત ત્રીજા દિવસે 99.5% શુદ્ધતા ધરાવતું સોનું 550 રૂપિયાના ઉછાળા સાથે 79,500 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. છેલ્લા સત્રમાં તે 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ વચ્ચે ચાંદી 1,000 રૂપિયાના ઉછાળા સાથે 94,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. ગુરુવારે ચાંદી 93,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહી હતી.

શું કહે છે એક્સપર્ટ

બજારના નિષ્ણાતોએ જણાવ્યું કે, તહેવારો દરમિયાન ગ્રાહકોની ખરીદીમાં વધારા સાથે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓની માગ રૅકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકામાં પ્રમુખપદની આગામી ચૂંટણીના કારણે અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે વિચારી રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી રિસર્ચ) માનવ મોદીએ જણાવ્યું કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા સુરક્ષિત રોકાણની માગને કારણે સોનાના બજાર અને સ્થાનિક મોરચે સોનાના ભાવ રૅકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાથી પણ આમાં મદદ મળી છે. 


Google NewsGoogle News