વિશ્વબજારમાં ફંડો ફરી દાખલ થતા સોના- ચાંદી ફરી ઉંચકાયા: ક્રૂડમાં ઘટાડો
- ચીનમાં કન્ઝયુમર સ્પેન્ડીંગ ઘટતાં ક્રૂડ તથા કોપરમાં ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ ઘટતા અટકી પ્રત્યાઘાતી ઉંચકાયા હતા. વિશ્વબજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ફરી ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારમાં ઘટાડે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૯૩૦૦ બોલાતા ધયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધી રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૮ વાળા વધી ૨૬૬૪ થઈ ૨૬૬૦થી ૨૬૬૧ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વબજારમાં સોનામાં આજે ઘટયા મથાળે ફંડો ફરી લેવા દાખલ થયા હતા.
દરમિયાન, સોના પાછળ ૈવશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૫૫ વાળા ઉંચામાં ૩૦.૭૦ થઈ ૩૦.૬૫થી ૩૦.૬૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૨૬ વાળા વધી ૯૩૭થી ૯૩૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૯૫૬ વાળા ૯૬૨ થઈ ૯૬૦થી ૯૬૧ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપર તથા ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૪ ટકા નરમ હતા. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૪.૪૯ વાળા નીચામાં ૭૩.૭૦ થઈ ૭૩.૯૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૧.૨૯ વાળા નીચામાં ૭૦.૩૭ થઈ ૭૦.૬૩ ડોલર રહ્યા હતા. ઉંચે નવી માગ ધીમી પડી હતી.
ભારતમાં નવેમ્બરમાં રશિયાથી ક્રૂડતેલની આયાત ૫૫ ટકા ઘટતાં જૂન- ૨૦૨૨ પછી નીવી નીચી સપાટી આવી આયાતમાં દેખાઈ હતી. ચીનના રિટેલ સેલના આંકઢા નબળા આવતાં વૈશ્વિક ક્રૂડના ભાવ આજે દબાણ હેઠળ રહ્યા હતા. ચીનમાં કન્ઝયુમર સ્પેન્ડીંગના ડેટા નબળા આવ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૯૦૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૨૫૦ થઈ રૂ.૮૯૫૧૫ છેલ્લે રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.