સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ આગેકૂચ
- ક્રૂડતેલ વધી ૭૪ ડોલર નજીક પહોંચ્યું: વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચેથી ઘટતાં સોનામાં ફંડો ફરી લેવાલ
- ભારતમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૨.૧૦ ટકા ઘટયું: રશિયા યુરોપ તરફ નિકાસ વધારવા પ્રયત્નશીલ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે નાતાલના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ધીમી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૧૩થી ૨૬૧૪લ વાળા નીચામાં ૨૬૧૦થી ૨૬૧૧ થયા પછી ઉંચામાં ભાવ ૨૬૨૧ થઈ છેલ્લે ૨૬૧૬થી ૨૬૧૭ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઇંચામાં ૧૦૮.૩૦ થયા પછી નીચામાં ૧૦૭.૯૨ થઈ ૧૦૮.૧૨ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૫૭૦ વાળા રૂ.૭૫૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૮૭૪ વાળા રૂ.૭૬૦૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૮૭૫૧૧ વાળા રૂ.૮૭૬૫૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૯.૬૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૮૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૮ હજાર રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૪૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૫૩ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૬૧ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૧૯ વાળા ઉંચામાં ૭૩.૮૧ થઈ છેલ્લે ૭૩.૫૮ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૯.૭૫ વાળા ઉંચામાં ૭૦.૪૩ થઈ છેલ્લે ભાવ ૭૦.૧૦ ડોલર રહ્યા હતા. રશિયા દ્વારા યુરોપ તરફ ગેસની નિકાસ વિવિધ રૂટો મારફત વધારવા પ્રયત્નો શરૂ થયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૨૦ આસપાસ શાંત રહ્યા હતા. આગળ ઉપર ડોલરના ભાવ રૂ.૮૫.૧૦થી ૮૫.૩૦ વચ્ચે અથડાતા રહેવાની શક્યતા જાણકારો બતાવતા હતા. ભારતમાં નવેમ્બરમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૨.૧૦ ટકા ઘટયાના સમાચાર હતા. ઉત્પાદન ઘટી ૨૩ લાખ ટન નવેમ્બરમાં થયું હતું.