Get The App

ઘરઆંગણે સોનાચાંદી ઊંચકાયા: વૈશ્વિક ચલણો સામે રૂપિયો નરમ પડયો

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
ઘરઆંગણે સોનાચાંદી ઊંચકાયા: વૈશ્વિક ચલણો સામે રૂપિયો નરમ પડયો 1 - image


- રશિયા-યુક્રેન શાંતિ મંત્રણાના અહેવાલ વચ્ચે ક્રુડ તેલમાં નોંધપાત્ર પીછેહઠ

- સોનું રૂ.88500, જ્યારે ચાંદી 95000

મુંબઈ : વિશ્વ બજારમાં ગોલ્ડના ભાવ ફરી ઊંચકાતા ઘરઆંગણે કિંમતી ધાતુમાં પ્રત્યાઘાતી સુધારો જોવાયો હતો.  અમેરિકામાં ફુગાવો વધીને આવતા વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની ધારણાં તથા  ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટ્રેડ વોર વચ્ચે વૈશ્વિક સ્તરે હાલમાં ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને પગલે ગોલ્ડમાં રોલરકોસ્ટર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સોના પાછળ અન્ય કિંમતી ધાતુ ચાંદી તથા પ્લેટિનમમાં પણ સુધારી તરફી પવન રહ્યો હતો. રશિયા - યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાના અહેવાલ વચ્ચે ક્રુડ તેલમાં  નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ક્રુડ તેલના ભાવમાં ઘટાડા અને ઈક્વિટી બજારમાં સ્થિરતાને પગલે ડોલર સામે રૂપિયો સાધારણ નરમ બંધ રહ્યો હતો. અન્ય મુખ્ય ચલણો સામે પણ રૂપિયામાં નરમાઈ જોવાઈ હતી.  

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ બુધવારની સરખામણીએ રૂપિયા ૯૦૦ જેટલા વધી રૂપિયા ૮૫૭૪૮ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા  ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૮૫૪૦૫ બોલાતા હતા. જીએેસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૩૬૦ વધી રૂપિયા ૯૫૫૪૯ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૮૮૫૦૦ જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૮૮૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ૯૫૦૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ફરી ૨૯૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૨૯૧૮ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔેંસ દીઠ ૩૨.૨૪ ડોલર બોલાતી હતી. અમેરિકામાં જાન્યુઆરીનો ફુગાવો ફરી વધીને આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત હવે લંબાઈ જશે તેવી ધારણાંએ ફન્ડ મેનેજરોની ગોલ્ડમાં લેવાલી રહી હતી. બીજી બાજટ્રેડ વોર વચ્ચે વૈશ્વિક સ્તરે હાલમાં ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને પગલે પણ સોનામાં સેફ હેવન આકર્ષણ રહ્યું હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમના ભાવ ઔંસ દીઠ ૧૦૦૫ ડોલર મુકાતા હતા.

રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા અને અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક વધીને આવતા ક્રુડ તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ પ્રસ્થાપિત થવાના કિસ્સામાં ક્રુડ તેલનો પૂરવઠો વધવાની ગણતરીએ સટોડિયાઓની વેચવાલી આવી હતી. અમેરિકામાં ક્રુડ તેલના સ્ટોકમાં વધારાને કારણે પણ પૂરવઠો વધવા અપેક્ષા છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૦.૫૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ  પ્રતિ બેરલ ૭૫ ડોલરની અંદર સરકી ૭૪.૪૩ ડોલર કવોટ થતું હતું. 

ઈક્વિટી બજારમાં સ્થિરતા તથા ક્રુડ તેલના ભાવમાં ઘટાડાને પગલે ડોલર સામે રૂપિયો એક પૈસા જેટલો ઘટી ૮૬.૮૮ બંધ રહ્યો હતો. યુરો ૪૫ પૈસા વધી રૂપિયા ૯૦.૫૭ જ્યારે પાઉન્ડ ૦.૪૧ પૈસા વધી રૂપિયા ૧૦૮.૫૫ રહ્યો હતો. 


Google NewsGoogle News