સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ રૂપિયો તૂટતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં વધારો
- પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં જોવા મળેલી પીછેહટ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધતાં તથા ડોલર ઈન્ડેક્સ ઇંચેથી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૭૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૯૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૮૮ હજાર રહ્યા હતા. વિશ્વ બજારમાં ૨૬૧૬થી ૨૬૧૭ વાળા વધી ૨૬૩૦ થઈ ૨૬૨૫થી ૨૬૨૬ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૯.૬૬થી ૨૯.૬૭ વાળા ઉંચામાં ચાંદીના ભાવ ૨૯.૭૬ થઈ ૨૯.૬૯થી ૨૯.૭૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૭૦૦ વાળા રૂ.૭૬૦૩૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૬૦૦૦ વાળા રૂ.૭૬૩૩૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૬૫૦ વાળા રૂ.૮૮૦૪૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૯૩૭ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ ૦.૬૨ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં આગેકૂચ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૪.૦૪ ડોલર થઈ ૭૩.૯૭ ડોલર રહ્યા હતા. ચીનમાં સ્ટીમ્યુલ્સના નિર્દેશો હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૨ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. આના પગલે ક્રૂડતેલમાં તેજીને પીઠબળ મળ્યાની ચર્ચા હતી.