સોના-ચાંદીમાં ફરી પાછી તેજી, ભાવ રેકોર્ડ સ્તર નજીક પહોંચ્યા, જાણો કારણ અને આગામી ટ્રેન્ડ
Gold Silver Price: અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર 0.50 ટકા ઘટાડવામાં આવતાં જ ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. પરિણામે કિંમતી ધાતુ બજારને વેગ મળ્યો છે. વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તર નજીક પહોંચતાં જ સ્થાનિક સ્તરે પણ કિંમતમાં ઉછાળો નોંધાયો છે.
અમદાવાદમાં આજે સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 76400 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પણ રૂ. 500 વધી રૂ. 88000 પ્રતિ 1 કિગ્રાના સ્તરે પહોંચી છે. અગાઉ 17 જુલાઈએ સોનાનો ભાવ 76700 પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી પણ 93500 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આજે વૈશ્વિક સ્તરે સોનું પ્રથમ વખત 2600 ડોલરનું લેવલ ક્રોસ કરી 2640.70 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી 31.61 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ રહી હતી.
આ પણ વાંચોઃ સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી રેકોર્ડ ટોચે બંધ, નિફ્ટી 25800 ક્રોસ, 6.6 લાખ કરોડની કમાણી
એમસીએક્સ સોના-ચાંદીમાં પણ વૃદ્ધિ
એમસીએક્સ ખાતે સોના-ચાંદીમાં પણ નજીવા ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી. 4 ઓક્ટોબરનો ગોલ્ડ વાયદો રૂ. 488 વધી રૂ. 73926 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદીનો 5 ડિસેમ્બર વાયદો રૂ. 432 વધી રૂ. 90400 પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો. સ્થાનિક સ્તરે સોના-ચાંદીના ભાવમાં કોઈ ખાસ વૃદ્ધિનું એક કારણ ઘરાકીનો અભાવ હોઈ શકે છે.
નિષ્ણાતોના મતે સોના-ચાંદીમાં ટ્રેન્ડ
બુલિયન નિષ્ણાતોના મતે, અમેરિકી ફેડના નિર્ણયથી કિંમતી ધાતુ બજારમાં તેજી આવી છે. વૈશ્વિક બજારોના સથવારે આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા છે. હાલ સોના-ચાંદીના ભાવ ઘણા વધી ગયા હોવાથી હવે રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેથી ઘટાડે ખરીદી કરી શકે. બીજી તરફ સ્થાનિક બજારમાં હાલ શ્રાદ્ધ પક્ષના કારણે ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ તહેવારોની સિઝન ફરી શરૂ થશે. લગ્નસરાની ખરીદી પણ વધશે. પરિણામે તે સમયે ભાવમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.