Get The App

મંદીના ભયથી વૈશ્વિક શેર બજારોમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં મહિનામાં બીજું ગાબડું

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
મંદીના ભયથી વૈશ્વિક શેર બજારોમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં મહિનામાં બીજું ગાબડું 1 - image


Stock Market Closing: અમેરિકા અને ચીનમાં મંદી, જિયો-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો તેમજ જાપાનની સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારાના પગલે આજે ભારત સહિત વૈશ્વિક સ્તરે લગભગ તમામ શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. એશિયન સ્ટોક માર્કેટમાં 57 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2222.55 પોઈન્ટ અને નિફ્ટી 662.10 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો છે. રોકાણકારોને રૂ. 15.38 લાખ કરોડનું નુકસાન થયું છે.

ભારતની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં વૈશ્વિક સ્તરે મંદીના અહેવાલો, ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં ભારતીય શેરબજારમાં મંદીનુ મોજુ ફરી વળ્યું હતું. આ સિવાય એશિયન બજારમાં જાપાનનો નિક્કેઈ અને KOSPI માં ડબલ ડિજિટમાં મંદી નોંધાઈ છે.

અમેરિકી શેરબજારોના સથવારે જાપાનનો નિક્કેઈ 13 ટકા, તાઈવાન ઈન્ડેક્સ 8.35 ટકા તૂટ્યો છે. જે 1967 બાદથી એક દિવસીય સૌથી મોટો ઘટાડો છે.

જાપાનના આ પગલાંની અસર

જાપાનની સેન્ટ્રલ બેન્કે આર્થિક સ્થિતિમાં સુધારો કરવાના હેતુ સાથે વ્યાજના દરો વધાર્યા છે. જેના પગલે નિક્કેઈ 37 વર્ષમાં પ્રથમ વખત આટલો બધો 12 ટકાથી વધુ તૂટ્યો હતો. 1987 બાદથી પ્રથમ વખત નિક્કેઈમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો છે. બેન્ક ઓફ જાપાને આશરે 14 વર્ષ બાદ વ્યાજના દરો 25 બેઝિસ પોઈન્ટ વધાર્યા છે. જેથી ડોલર સામે જાપાની કરન્સી યેનમાં તેજી જોવા મળી હતી.

અમેરિકન બજારોમાં મંદી

વિશ્વની સૌથી મોટી મજબૂત ઈકોનોમી ધરાવતા અમેરિકાની સ્થિતિ કથળી છે. ડાઉ જોન્સ 400 પોઈન્ટ, નાસડેક 700 પોઈન્ટ તૂટ્યો છે. અમેરિકાના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના નબળા આંકડા અને બેરોજગારીમાં વધારો નોંધાતાં મંદી વધવાની વકી છે.

દક્ષિણ કોરિયાના બજાર 23 વર્ષ બાદ મોટો કડાકો

દક્ષિણ કોરિયાના શેરબજારમાં મોટાભાગના શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. 2001 બાદ દક્ષિણ કોરિયાના KOSPI માર્કેટમાં પ્રથમ વખત આટલો મોટો કડાકો નોંધાયો છે. ચીનમાં માગ ઘટતાં મંદી વેગવાન બની છે. ક્રૂડની માગ ઘટતા ભાવમાં ઘટાડાની અસરના કારણે ઈટલી, હોંગકોંગ અને ફ્રાન્સના સ્ટોક માર્કેટ 5 ટકા સુધી તૂટ્યા છે. KOSPI  8.77 ટકા ઘટ્યો છે. 

મંદીના ભયથી વૈશ્વિક શેર બજારોમાં 57 વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટીમાં મહિનામાં બીજું ગાબડું 2 - image


Google NewsGoogle News