32 ટકા વૃદ્ધિ સાથે સોનાના વૈશ્વિક ભાવમાં 2024માં 45 વર્ષ બાદ સૌથી મોટો વધારો
- ચીનમાં આર્થિક રિકવરીને પરિણામે ચાંદીમાં પણ વર્તમાન વર્ષમાં તેજી
મુંબઈ : મધ્ય પૂર્વના દેશોમાં ભૌગોલિકરાજકીય તાણ અને અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધુ ઘટવાની સંભાવનાને પરિણામે વર્તમાન વર્ષના સોનાના વૈશ્વિક ભાવમાં ૪૫ વર્ષમાં સૌથી ઊંચો વધારો જોવાયો છે.
૨૦૨૪માં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ અત્યારસુધી ૩૨.૫૦ ટકા વધ્યા છે જે ૧૯૭૯ બાદ સૌથી વધુ વધારો છે. ચાંદીમાં પણ ૩૭.૫૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઘરઆંગણે એમસીએકસ પર સોનાના ભાવ ૨૩.૬૦ ટકા અને ચાંદી ૩૨.૯૦ ટકા વધ્યા છ ેજે ૨૦૨૦ બાદ સૌથી ઊચો વધારો છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા ઉપરાંત ગોલ્ડ ઈટીએફસમાં જંગી ઈન્ફલોસ અને વિશ્વની કેેન્દ્રીય બેન્કો દ્વારા ગોલ્ડની સતત ખરીદીને કારણે પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે.
ચીનમાં આર્થિક રિકવરીને કારણે ચાંદીની ઔદ્યોગિક માગ વધવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ૨૦૨૪માં ચીને ગોલ્ડ રિઝર્વમાં ૨૯ ટનનો ઉમેરો કર્યો છે જે ૨૦૨૩ની સરખામણીએ ૧૬ ટકા વધુ છે.
અમેરિકન ડોલરમાં નબળાઈ પણ સોનાના ભાવમાં મજબૂતાઈનું કારણ રહ્યું છે. ડોલરની નબળાઈના કિસ્સામાં વૈશ્વિક ફન્ડ હાઉસો સોના જેવી સેફ હેવન એસેટસમાં રોકાણ તરફ વળતા હોય છે. ભારતમાં સોનાની તહેવાર નિમિત્તેની માગ ઊંચી જોવા મળી રહી છે, જેને કારણે પણ ભાવને ટેકો મળતો હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું. સોનાનો વૈશ્વિક ભાવ હાલમાં પ્રતિ ઔંસ ૨૭૧૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૩.૦૯ ડોલર મુકાઈ રહી છે.