વિશ્વ સ્તરે આર્થિક મંદીના એંધાણ, જર્મની બાદ બ્રિટન, યુરોઝોન સહિત સમગ્ર યુરોપ પર તોળાતું સંકટ

સપ્ટેમ્બર મહિનામાં બ્રિટનનો S&P ગ્લોબલનો સંયુક્ત PMI ઘટીને 46.8 થયો હતો

એસએન્ડપી ગ્લોબલનો યુરોઝોન કમ્પોઝિટ પીએમઆઈ ઓગસ્ટમાં 46.7ની 33 મહિનાની નીચી સપાટીએ હતો

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વિશ્વ સ્તરે આર્થિક મંદીના એંધાણ, જર્મની બાદ બ્રિટન, યુરોઝોન સહિત સમગ્ર યુરોપ પર તોળાતું સંકટ 1 - image

image : Envato 

વૈશ્વિક આર્થિક મંદી (Global Recession 2023) ની આશંકાઓ સાચી થવા જઈ રહી છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના મંદીની શક્યતા ભાકે ઘટી ગઈ હોય પણ તેનાથી જોખમ હજી ઓછું થયું નથી. યુરોપ માટે તો મંદી ભયંકર સાબિત થનાર છે. તાજેતરની પરિસ્થિતિઓ તેના સ્પષ્ટ સંકેત આપી રહી છે. 

જર્મની શિકાર બન્યું 

યુરોપ (Europe) નું સૌથી મોટું અર્થતંત્ર જર્મની (Germany) સત્તાવાર રીતે મંદીમાં સપડાયું છે. હવે બ્રિટન (Britan) પછી યુરોપની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા મંદીમાં સપડાય તેવી આશંકા છે. આટલું જ નહી સમગ્ર યુરોઝોન પણ મંદીમાં સપડાઈ શકે છે. જો આમ થશે તો આ વૈશ્વિક મંદી યુરોપિયન અર્થતંત્ર માટે વિનાશક સાબિત થઈ શકે છે.

આર્થિક મંદી કોને કહેવાય? 

આર્થિક મંદીમાં વિકાસદર ઘટે છે, કંપનીઓ એક પછી એક બંધ થવા લાગે છે અને લોકો બેરોજગારી અને મોંઘવારીથી બરબાદ થઈ જાય છે. સત્તાવાર વ્યાખ્યા અનુસાર, જો અર્થતંત્રનો વિકાસ દર સતત બે ત્રિમાસિક ગાળા સુધી શૂન્યથી નીચે રહે તો તેને મંદીની અસર હેઠળ ગણવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસ દર શૂન્યથી નીચે જાય એટલે કે નકારાત્મક થઇ જાય તો અર્થતંત્રનું કદ ઘટી રહ્યું છે તેમ મનાય છે. જર્મનીના અર્થતંત્રમાં સતત બે ક્વાર્ટરમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.

વ્યાજ દર વધારવા પર પ્રતિબંધ

યુરોપની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રિટન વિશે વાત કરીએ, તો રોગચાળાના સમયથી છટણીની ગતિ સૌથી વધુ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બ્રિટનમાં કંપનીઓ હાલમાં તેમના કર્મચારીઓને રોગચાળા બાદની સૌથી ઝડપી ગતિએ કર્મચારીઓને પાણીચું પકડાઈ રહી છે.આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. જેને પગલે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ અઠવાડિયે યોજાયેલી તેની પોલિસી બેઠકમાં લગભગ બે વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

બ્રિટનની હાલત અતિશય ખરાબ 

સપ્ટેમ્બર મહિનામાં બ્રિટનનો S&P ગ્લોબલનો સંયુક્ત PMI ઘટીને 46.8 થયો હતો. એક મહિના પહેલા આ ઇન્ડેક્સ 48.6 પર હતો. જાન્યુઆરી 2021 પછી બ્રિટનના સંયુક્ત પીએમઆઈમાં આ સૌથી મોટો ઘટાડો છે. જાન્યુઆરી 2021 એ રોગચાળાને કારણે લોકડાઉનનો સમય હતો. S&P ગ્લોબલ અનુસાર જો રોગચાળાના સમયને અપવાદ માનવામાં આવે તો બ્રિટનના જોબ માર્કેટમાં છટણીની ઝડપ ઓક્ટોબર 2009 પછી સૌથી ઝડપી છે. આ આંકડા દર્શાવે છે કે બ્રિટનની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી અને તે આગામી મહિનાઓમાં મંદીમાં સપડાઈ શકે છે.

યુરોઝોન માટે ગંભીર ખતરાની ઘંટડી

એક અહેવાલે યુરોઝોન માટે ગંભીર ખતરાની ઘંટડી વગાડી છે. અહેવાલ અનુસાર યુરોઝોન અર્થતંત્ર આ ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિનો ભોગ બની શકે છે અને તે પછી લાંબા સમય સુધી સકારાત્મક પ્રદેશ પર પાછા ફરવાના કોઈ સંકેતો નથી. એસએન્ડપી ગ્લોબલનો યુરોઝોન કમ્પોઝિટ પીએમઆઈ ઓગસ્ટમાં 46.7ની 33 મહિનાની નીચી સપાટીએ હતો. તે સપ્ટેમ્બરમાં 47.1 અંશે સુધારો થયો હતો, પરંતુ હજુ પણ 50 ની નીચે છે. 50 કરતા ઓછો PMI સંકોચન દર્શાવે છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટાડાની આશંકા 

હેમ્બર્ગ કોમર્શિયલ બેંકે તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે 2023ના ત્રીજા ક્વાર્ટર એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન યુરોઝોન અર્થતંત્રના કદમાં 0.4 ટકાનો ઘટાડો થઈ શકે છે. હકીકતમાં, ફુગાવાને નિયંત્રિત કરવા માટે, ECBએ છેલ્લા કેટલાક મહિનામાં વ્યાજ દરોમાં 4.5 ટકાનો વધારો કર્યો છે. મોંઘા વ્યાજ દરોએ અર્થવ્યવસ્થાની પ્રગતિ પર બ્રેક મારી છે. યુરોઝોનની સૌથી મોટી અર્થવ્યવસ્થા ફ્રાન્સના મજબૂત સર્વિસ સેક્ટરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ રીતે યુરોઝોનમાં મંદીનું જોખમ સૌથી વધુ છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 





Google NewsGoogle News