ભૂ-રાજકીય તણાવો ભારતના અર્થતંત્રની સ્થિરતા માટે જોખમી બની રહ્યાં છે : વિત્ત મંત્રાલયનો રીપોર્ટ
- યુ.એસ. એકલું જ થોડું આગળ વધ્યું છે, ચીનમાં અર્થતંત્રની મંદ ગતિ છે બીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે પરિસ્થિતિ અશાંત બનાવી છે
નવી દિલ્હી : ભારતના વિત્ત મંત્રાલયે ઓક્ટોબર મહિનાની તેની માસિક સમીક્ષામાં ભારતના આર્થિક વિકાસ અંગે સાવચેતીનો સૂર ઉચાર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે. ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે.
આમ છતાં અહેવાલ વધુમાં જણાવે છે કે, મુદ્રા સ્ફિતિ (ફુગાવો) ચિંતાજનક રહ્યો છે. વિશેષત: ભારે વરસાદને લીધે તેમાંએ પછીથી થયેલા ભારે વરસાદને લીધે ખાદ્ય પદાર્થોની ચેઈન તૂટી ગઈ છે. ટમેટાં, બટેટાં, કાંદા (ડુંગળી)ના પણ ભાવ વધ્યા છે. બીજી તરફ તેલના ભાવ વૈશ્વિક સ્તરે પણ ઉંચા ગયા છે. તેથી આપણા અર્થતંત્ર ઉપર પણ દબાણ આવી રહ્યું છે. જોકે આગામી મહિનાઓમાં ખાદ્ય-પદાર્થોના ભાવ ઘટવાની આશા રાખવામાં આવે છે તેમ પણ વિત્ત મંત્રાલયનો રીપોર્ટ જણાવે છે. તે માટે તેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં થયેલા સારા વરસાદને લીધે ખરીફ તો સારો ઉતર્યો જ છે પરંતુ રવિ પાક (શિયાળુ પાક) પણ સારો ઉતરવાની આશા છે.
આમ છતાં આયાતમાં થતો વધારો અને તેને લીધે ઉભી થતી વ્યાપારી ખાદ્ય પ્રત્યે આ અહેવાલ ચેતવણી ઉચ્ચારે છે.
ચીનમાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે પણ નિર્દેશ કરતાં અહેવાલ જણાવે છે કે ત્યાંથી એફડીઆઈ ભારત તરફ વળતાં ફોરેન રીઝર્વ્સમાં ૨૦૨૪માં ૬૪.૮ બિલિયન ડોલર્સનો વધારો થયો છે.
લેબર માર્કેટ અંગે રીપોર્ટ કહે છે કે આમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો છે. ૨૨ લાખ વધુ નોકરીઓ મહામારી પહેલાનાં સ્તર કરતાંએ વધી છે. પરંતુ શહેરી વપરાશકારોનું વલણ હવે વધુ તકો માટે શંકા ઉભી કરે છે.
અહેવાલ વધુમાં કહે છે કે આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.