'અસલી' માસ્ટર માઈન્ડ વિનોદ અદાણી 'નકલી' કંપનીઓ થકી અબજો ડોલર ઠાલવે છે
હિન્ડેનબર્ગ પછી ફોર્બ્સનો ચોંકાવનારો ખુલાસો : વિનોદ અદાણીની ઓફશોર કંપનીઓની લેવડદેવડનો લાભ ભરતમાં અદાણીની લિસ્ટેડ કંપનીને થઈ રહ્યો છે
ફોર્બ્સે નવા નાણાકીય વ્યવહારો પકડયા કે જે હિન્ડેનબર્ગના રિસર્ચમાં નથી : 'માસ્ટરમાઈન્ડ' વિનોદ અદાણીની જ કંપની થકી ૧૦.૫ અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદવામાં આવી
અમદાવાદ : હિન્ડેનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ દ્વારા જે રીતે શેરના ઊંચા ભાવ લઇ જવા માટે ગેરરીતિ આચરી છે, ટેક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા શેર ખરીદી, પોતાની સહયોગી કંપનીઓ થકી જ તેની લે-વેચ કરી હોવાનો આક્ષેપ છે તેમાં સૌથી વધુ સવાલ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સામે ઉઠાવવામાં આવ્યા છે. હવે, હિન્ડેનબર્ગના ચોંકાવનારા અહેવાલ બાદ અદાણી જૂથ સામે ફોર્બ્સ મેગેઝીને હવે સ્ફોટક અહેવાલ આપ્યો છે.
ફોર્બ્સનો આ અહેવાલ પણ જણાવે છે કે જૂથના વડા ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે જોડાયલા ઓફશોર ફંડ્સની નાણાકીય લેવડદેવડનો લાભ પણ ભારતમાં અદાણીની લીસ્ટેડ કંપનીઓને થઇ રહ્યો છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદી બહાર પ્રકાશિત કરવા માટે પ્રખ્યાત ફોર્બ્સ જણાવે છે કે આ નાણાકીય વ્યવહારો અગાઉ ક્યારેય બહાર આવ્યા નથી અને આ વ્યવહારો હિન્ડેનબર્ગનો અહેવાલ ખરેખર સાચો હોય એવું પુરવાર કરે છે એમ ફોર્બ્સ માને છે.
હિન્ડેનબર્ગના અહેવાલમાં વિશ્વના સૌથી ધનિક એવા ગૌતમ અદાણીના જૂથની કંપનીઓ સામે શેર પાર્કિંગ, શેરના ભાવમાં ગેરરીતી આચરવી અને ટેક્સ હેવનમાં રહેલી કંપનીઓ થકી નાણાકીય લેવડદેવડના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં ગૌતમ અદાણીના નામનો ૫૦ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ તેમના મોટા ભાઈ અને બિનરહીશ ભારતીય એવા વિનોદ અદાણીનો ઉલ્લેખ ૧૫૪ વખત કરવામાં આવ્યો છે. હિન્ડેનબર્ગનો આક્ષેપ છે કે વિનોદ અદાણી સેંકડો નકલી કંપનીઓ થકી અબજો ડોલરની રકમ ખાનગી કંપનીઓ થકી અદાણીની લીસ્ટેડ કંપનીઓમાં ઠાલવે છે. આ પ્રવૃત્તિ અંગે કોઈ માહિતી ભારતમાં નિયમ અનુસાર, શેરહોલ્ડરોને જાહેર કરવામાં આવતી નથી. પોતાના સહયોગીઓ થકી જ આ રીતે શેર હોલ્ડ કર્યા હોવાથી અદાણીએ ભારતીય શેરબજારમાં જનતાનું ૨૫ ટકા શેરહોલ્ડીંગ હોવું જોઈએ એના નિયમોનું પાલન કર્યું છે.
અદાણી જૂથ જ્યારે ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણનો પ્રોજેક્ટ સ્થાપી રહ્યું હતું ત્યારે કલાયમેટ એનર્જી ફાઈનાન્સના ડીરેક્ટર એવા ટીમ બ્કલી ફોર્બ્સને જણાવે છે, 'મને હંમેશ એમ લાગતું કે આ એક ભાગીદારી છે. ગૌતમ ભાઈ લોકોના મિત્ર તરીકે જાહેરમાં દેખાય છે ત્યારે વિનોદ ખાનગી ટેક્સ હેવનનો માસ્ટરમાઈન્ડ છે.'
વિનોદ અદાણીની એક કંપની ઇન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રાંસની હોલ્સીમ પાસેથી ૧૦.૫ અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ ખરીદવા માટે મુખ્ય સાધન બની હતી. આ સોદા થકી જ અદાણી ભારતમાં બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું. ઇન્ડેવર ટ્રેડ નામની કંપની અંગે બધા જ જાણે છે પણ પીનેક્લ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ નામની સિંગાપોર સ્થિત કંપનીના મૂળ માલિક બ્રિટીશ વર્જિન આઈલેન્ડની એઆરએફટી હોલ્ડીંગ છે જે વિનોદ અદાણીની છે. વર્ષ ૨૦૨૧ના વાર્ષિક દસ્તાવેજો અનુસાર ગૌતમ અદાણીના સાળા સમીર વોરા પણ પીનેક્લના ડીરેક્ટર હતા. વોરા અદાણીની અન્ય બીજી કંપનીઓમાં પણ ડીરેક્ટર છે. પીનેક્લની ઉપર સપૂર્ણ અંકુશ ધરાવતી અતુલ્ય ફેમીલી રિસોર્સ ટ્રસ્ટ નામની કંપની છે જેની નોંધણી બ્રિટીશ વર્જિન આઈલેન્ડમાં થયેલી છે અને આ કંપની ઓસ્ટ્રેલીયાની કોલ માઈનીંગ પ્રોજેક્ટની કેટલીક એસેટની માલિક હોવાનું ૨૦૧૭માં એબીસી ન્યુઝે જાહેર કર્યું હતું.
વર્ષ ૨૦૨૦માં વિનોદ અદાણીની પીનેકલે રશિયાની સરકારી બેંક સાથે લોન કરાર કર્યા હતા અને ૨૪ કરોડ ડોલર મેળવ્યા હતા. પીનેકલે આ લોનમાંથી અન્ય કોઈને ૨૩.૫ કરોડ ડોલરની લોન આપી છે.
વર્ષ ૨૦૨૧માં પીનેકલે એફ્રો એશિયા ટ્રેડ અને વર્લ્ડવાઈડ ઈમર્જિંગ માર્કેટ હોલ્ડીંગ લિમિટેડ નામના બે ફંડ્સને લોન સામે ગિરવે આપ્યા હતા. આ વર્લ્ડવાઈડ ઈમર્જિંગ માર્કેટની માલિકી પણ વિનોદ અદાણી પાસે હોવાનું સિંગાપોરમાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે જાણવા મળે છે. મોરેશિયસ સ્થિત એક્રોપોલીસ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, જેની માલિકી વિનોદ અદાણી પાસે છે, તે વર્લ્ડવાઈડ ઈમર્જિંગ માર્કેટની ૧૦૦ ટકા માલિક હોવાનું ભારતની શેરબજારમાં રજૂ થયેલા ફાઈલિંગ ઉપરથી જાણવા મળે છે. આ બન્ને ફંડ અદાણીની કેટલીક કંપનીઓમાં મોટા શેરહોલ્ડર છે અને તેમની ગણતરી પ્રમોટર જૂથ કંપનીઓમાં થાય છે. તા. ૧૬ ફેબુઆરીના ભાવે આ હોલ્ડીંગ ચાર અબજ ડોલરનું થાય છે.
પણ આ બન્ને ફંડ પાસે એકપણ સિક્યોરીટી નથી. એનો મતલબ થયો કે પીનેક્લે આપેલી લોન સામેના આ શેર છે. ફંડ હાઉસ કે અદાણી જુથે આ અંગે કોઈ માહિતી આપી નથી. પીનેકલે શેર ગિરવે મુકવાના બદલે પોતાના ફંડ્સ ગિરવે મુક્યા હોવાથી પ્લેજ કરેલા શેર અંગેની માહિતી આપવાની છટકબારી શોધી લેવામાં આવી છે.
ફોર્બ્સના અહેવાલ અનુસાર ગૌતમ અદાણી જૂથનો જાહેર ચહેરો છે જ્યારે વિનોદ અદાણી છુપા રુસ્તમ તરીકે કામ કરે છે. સાયપ્રસના પાસપોર્ટ સાથે વિનોદ અદાણી સિંગાપોરમાં વર્ષોથી રહે છે અને દુબઈ અને સિંગાપોર વચ્ચે રહી તે અદાણી જૂથ સાથે સતત કામ કરે છે. ફોર્બ્સ અને હિન્ડેનબર્ગના રીસર્ચ અનુસાર વિનોદ અદાણી ૬૦ જેટલી ટેક્સ હેવનમાં કામ કરતી કંપનીઓના માલિક છે અથવા તો તેના સહયોગી છે.
વર્ષ ૨૦૧૨માં વિનોદ અદાણીની સાયપ્રસ સ્થિત કંપનીને પોતે જ ૨૩.૨ કરોડ ડોલરની લોન આપી હતી. વિનોદ અદાણીની દુબઈ સ્થિત કંપનીએ આ લોન આપી હતી. સાયપ્રસની વાકોડર નામની આ કંપનીએ લોનના નાણામાંથી ૨૨ કરોડ ડોલરના ફરજીયાત ઇક્વિટીમાં કન્વર્ટ થાય એવા અદાણી એસ્ટેટ અને અદાણી લેન્ડ ડેવલપરના ડીબેન્ચર ખરીદ્યા હતા. આ ડીબેન્ચરની મુદ્દત હવે ૨૦૨૪ સુધીની છે. આ બન્ને કંપનીઓ મૂળ અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપરની સબસિડીયરી છે.
વર્ષ ૨૦૧૨ સુધી અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર અદાણી એન્ટરપ્રાઈસની સબસીડીયરી હતી. જુન ૨૦૧૨માં અદાણી એન્ટરપ્રાઈસે ૮.૧૫ કરોડ ડોલરનો નફો કરી આ કંપની વેંચી કાઢી. જોકે, ચાર વર્ષ પછી ફરી અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગી સાહસ તરીકે અદાણી એન્ટરપ્રાઈસના વાર્ષિક અહેવાલમાં જોવા મળે છે. ફોર્બ્સના રીસર્ચ અનુસાર અદાણી ફેમીલીની અદાણી પ્રોપર્ટી નામની કંપની તરીકે અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા જૂથની માલિકીની જ રહી છે.
વિનોદ અદાણીનો ઈતિહાસ
વર્ષ ૨૦૧૬માં વૈશ્વિક રીતે પાનામા પેપર્સના નામે ટેક્સ હેવનમાં સ્થાપિત કંપનીઓના કાળા નાણાનો ઘટસ્ફોટ થયો હતો. લગભગ ૧૦ લાખ જેટલા દસ્તાવેજોના આધારે જાહેર થયેલા આ ઘટસ્ફોટમાં કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓના નામ પણ હતા જેમાં વિનોદ અદાણીનું નામ પણ હતું. આ કંપનીમાં તેનું નામ વિનોદ અદાણીના બદલે વિનોદ શાહ તરીકે રાખવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ આ પેપર્સમાં હતો.
વિનોદ અદાણીના પુત્ર પ્રણવ અદાણી જૂથની ભારતમાં વિવિધ કંપનીઓમાં ડીરેક્ટર છે જેમાં અદાણી એન્ટરપ્રાઈસનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૪માં અદાણી જૂથ સામે વીજળી પ્લાન્ટમાં બિલ કરતા ઉંચી રકમ ભરી આયાત કરવાનો - ઓવર ઇનવોઈસ- ૮૦ કરોડ ડોલરનો કેસ થયો હતો અને ડીઆરઆઈ દ્વારા વિનોદ અદાણીએ અદાણી જૂથ સાથે મિલીભગત કરી, સસ્તા મળતા પ્લાન્ટ ઊંચા ભાવે આયાત કરી ભારતને ફોરેકસનું નુકસાન થાય એવો કેસ કર્યો છે. આ કેસ હજુ પણ પેન્ડીંગ છે.
આ વિનોદ અદાણી કોણ છે?
વિનોદ અદાણી, અમદાવાદ સ્થિત અદાણી જૂથના ફાઉન્ડર ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. એક સમયે મુંબઈમાં ટેક્સટાઈલ્સનો બિઝનેસ કરતા વિનોદ અદાણી પછી દુબઈ સ્થાયી થયા અને ત્યાં તેમણે ટ્રેડીંગ, મેટલ્સ, નેચરલ રીસોર્સીઝ જેવા ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. વર્ષ ૨૦૧૨ના હારુન લીસ્ટ અનુસાર વિદેશમાં વસવાટ કરતા ભારતીયોમાં સૌથી ધનિક વ્યક્તિઓમાં વિનોદ અદાણીનું નામ પણ હતું.