મની મેનેજમેન્ટમાં માતાપિતા કરતાં વધુ હોશિયાર હોવાનું માનતી Gen Z

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
મની મેનેજમેન્ટમાં માતાપિતા કરતાં વધુ હોશિયાર હોવાનું માનતી Gen Z 1 - image


કોવિડ મહામારીથી લઈને વર્ષ 2023ના અંત સુધીમાં ભારતના વિવિધ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટ્ફોર્મ્સને લગભગ 1.7 કરોડ નવા રોકાણકારો મળ્યા છે. પૈસાનું યોગ્ય રીતે રોકાણ કરવા બાબતે નવી પેઢીનું આવું ઉત્સાહી વલણ ભારતીય અર્થવ્યવસ્થાને ગતિમાન રાખવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે. 

Gen Z (1997 અને 2012ની વચ્ચે જન્મેલા લોકોની પેઢી તે ‘જનરેશન Z’, ટૂંકમાં Gen Z) એ પેઢી છે જેણે 2008 ની નાણાકીય કટોકટી વિશે ઘણુંબધું સાંભળ્યું છે અને 2020 ની કોવિડ-કટોકટી અને એ પછીના વર્ષોની મંદીના ભયનો અનુભવ પણ કર્યો છે. આ પેઢીએ હાઇ-સ્પીડ UPI ટ્રાન્ઝેક્શનથી લઈને ડિમોનેટાઇઝેશન સહિત ઘણુંબધું જોયું-અનુભવ્યું છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ પેઢીએ ઇકોનોમિક રોલર-કોસ્ટર રાઈડની મજા લીધી છે.

નાણાકીય વ્યવસ્થાપન બાબતે Gen Zનું વલણ એમના માતાપિતા કરતા દેખીતી રીતે અલગ છે. બે પેઢીઓ વચ્ચે વૈચારિક મતભેદો તો હંમેશથી રહેતા આવ્યા છે, પણ હાલની Gen Z અને એમના પાતા-પિતા વચ્ચે મની મેનેજમેન્ટ બાબતે પણ ઊડીને આંખે વળગે એવો તફાવત જોવા મળે છે. અગાઉની પેઢી જરૂરિયાતો અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરતી આવી છે, જ્યારે નવી પેઢી YOLO (યુ ઓનલી લીવ વન્સ - તમે માત્ર એક જ વાર જીવો છો) મંત્રમાં માને છે અને એ હિસાબે વહેલી સંપત્તિ સર્જન કરીને વહેલી નિવૃત્તિ લેવાનું લક્ષ્ય રાખે છે. ઘડપણમાં શું થશે, એની ચિંતામાં ‘આજના આનંદ’ સાથે સમાધાન કરવામાં Gen Z નથી માનતી, કેમ કે કોની જિંદગી કેટલી લાંબી હશે, એની કોઈ ગેરંટી હોતી નથી. 

Gen Z અને ‘ઇન્ફોબેસિટી’
‘ઇન્ફોબેસિટી’ એટલે માહિતીનો અતિરેક. મોબાઇલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, ટ્યુટોરિયલ્સ જેવા હાથવગા સાધનોને લીધે આજે આપણને કોઈપણ વિષયમાં પુષ્કળ ખણખોદ કરવાની સુવિધા મળી રહે છે. એક નાનકડી ખરીદી માટે પણ ભૂતકાળમાં ક્યારેય નહોતા એવા અને એટલા વિકલ્પો ઉપલબ્ધ છે. આ જ બાબત મની મેનેજમેન્ટ સંદર્ભે પણ લાગુ પડે છે. રૂપિયાના રોકાણ બાબતે પણ ખૂબ બધાં માધ્યમો અને માર્ગો ઉપલબ્ધ બન્યાં છે. Gen Z આ ‘ઇન્ફોબેસિટી’નો ઉપયોગ કરીને આર્થિક રોકાણ કરવામાં માને છે. ઝડપથી વધુ વળતર મળે એવી સ્કીમોમાં રોકાણ કરીને Gen Z ઝડપથી આર્થિક રીતે સધ્ધર થવાનો મત ધરાવે છે, પણ વધુ વળતર આપતાં રોકાણોમાં ગુમાવવાનું જોખમ પણ વધુ રહેલું હોવાથી જૂની પેઢી નવી પેઢીના આવા વલણ સાથે સહમત થતી નથી. 

ટેક્નોસેવી હોવાનો ફાયદો ઉઠાવતી Gen Z
નીતનવીન ટેક્નોલોજી વાપરવામાં અગ્રેસર હોવાથી Gen Z મોબાઇલ અને ઇન્ટરનેટના ઉપયોગ થકી વધુ ઝડપથી બજારના પ્રવાહો જાણી શકે છે, ડેટાને આધારે રોકાણના જોખમો સમજી શકે છે અને એ હિસાબે રોકાણ કરે છે. મોબાઇલ એપ્સને કારણે હવે શેર માર્કેટમાં રોકાણ કરવું વધુ સુલભ બન્યું છે અને Gen Z એનો મહત્તમ લાભ લે છે. એટલું જ નહીં, Gen Z ડિસ્કાઉન્ટ કોડ્સ, રિવૉર્ડ પોઈન્ટ્સ અને વિવિધ ઓફર્સનો ફાયદો ઉઠાવવાનું પણ નથી ચૂકતી. રોકાણની નવીનવી તકો ઉપલબ્ધ હોવાથી અને એક માધ્યમના રોકાણને બીજા માધ્યમમાં સરળતાથી ‘શિફ્ટ’ કરી શકવાની સગવડોને કારણે પણ Gen Z રોકાણ બાબતે હકારાત્મક વલણ ધરાવતી થઈ છે.

દેવું-મુક્ત જીવન જીવવા માંગતી Gen Z
Gen Z મોટી લોન લઈને પછી આખી જિંદગી હપ્તા ભરવાના મતની નથી. લોન પર વ્યાજના રૂપમાં વધારાના હજારો રૂપિયા ચૂકવવામાં એને રસ નથી. લોન પર ઘર લઈને પછી એના માલિક બનવા માટે દાયકાઓ સુધી લોનના હપ્તા ચૂકવ્યા કરવા કરતાં ભાડાના મકાનમાં રહેવું વધુ સારું, એવું Gen Z માને છે, અને એ યોગ્ય પણ છે કેમ કે અગાઉના પ્રમાણમાં હવે Gen Z ધંધા-રોજગાર્થે શહેરો બદલતી રહેતી હોય છે. એવામાં એક શહેરમાં લોન પર ઘર ખરીદીને એના હપ્તા ભરવાના ચક્કરમાં પડવું સલાહભરેલું નથી જ. એ જ પ્રકારે મોટા શહેરોમાં લાખોની કાર ખરીદીને રગશિયા ટ્રાફિકમાં પેટ્રોલ ફૂંકવાને બદલે નવી પેઢી ભાડાની કારમાં ફરવાની કુનેહ ધરાવે છે. કોઈપણ પ્રકારનું વ્યાજ વસૂલ્યા વિના લોન આપતી BNPL (બાય નાઉ પે લેટર – હમણાં ખરીદો, પછી ચૂકવો) સુવિધાઓનો લાભ લેવામાં પણ Gen Z ઉસ્તાદ છે. 

જૂની પેઢી પોતાનું મકાન બનાવવામાં અને અંગત વપરાશ માટે વાહન ખરીદવામાં માનતી જ્યારે નવી પેઢી બચતમાંથી મકાન અને વાહન ખરીદીને એને ભાડે આપીને આવક ઊભી કરવામાં માને છે. એ જ આવકનો એક હિસ્સો એ પોતાના માટે લીધેલા મકાનનું ભાડું ભરવામાં અને ભાડાના વાહન પાછળ ખર્ચે છે.   

બંને પેઢીના રોકાણ બાબતના વલણમાં રહેલો તફાવત
મ્યુચ્યુઅલ ફંડમાં પ્રથમ વખત રોકાણ કરનારાના પૈકીના 54% રોકાણકાર Gen Z છે. આ પેઢીના 41% રોકાણકારો શેરોમાં પણ રોકાણ કરે છે. જ્યારે કે જૂની પેઢીની પસંદગી વધુ જોખમી એવા શેરોને બદલે ઓછા જોખમી એવા મ્યુચ્યુઅલ ફંડ છે. Gen Z ઓનલાઈન માહિતી મેળવીને એને આધારે જાતે રોકાણ કરવાનું વલણ ધરાવે છે, જ્યારે જૂની પેઢી આર્થિક બાબતના સલાહકારોની સલાહ લઈને રોકાણ કરતી હોય છે. એટલે સ્પષ્ટપણે એમ તો ન કહી શકાય કે નાણાકીય રોકાણ બાબતે Gen Z જૂની પેઢી કરતાં વધુ સ્માર્ટ છે. ફરક એટલો જ છે કે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ ઓછી હોવાથી મની મેનેજમેન્ટ માટે Gen Z જૂની પેઢીની સરખામણીમાં થોડું વધુ જોખમ ખેડવા તૈયાર હોય છે. 


Google NewsGoogle News