જીડીપી વૃદ્ધિદર ચોથા ત્રિમાસિકમાં 7.8 ટકા અને 2024માં 8.2 ટકા રહ્યો
- લોકસભા ચૂંટણી વચ્ચે અર્થતંત્રના સારા સમાચાર
- નોમિનલ જીડીપી 2023-24માં 295.36 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ, અગાઉના વર્ષે 269.50 લાખ કરોડ હતો
- ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપીમાં 8.6 ટકાની વૃદ્ધિ જ્યારે 2022-23ના ચોથા ત્રિમાસિકમાં વૃદ્ધિ 6.2 ટકા નોંધાઈ હતી
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં જ અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર આંશિક ઘટીને ૭.૮ ટકા રહ્યો હતો જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર ૮.૨ ટકા નોંધાયો હતો તેમ શુક્રવારે સત્તાવાર આંકડામાં જણાવાયું હતું. આ વૃદ્ધિ સાથે ભારતીય અર્થતંત્ર ૩.૫ લાખ કરોડ યુએસ ડોલરનું બની ગયું છે અને આગામી કેટલાક વર્ષોમાં પાંચ લાખ કરોડ યુએસ ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્યાંક તરફ આગળ વધ્યું છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
દેશમાં ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં જ જીડીપી વૃદ્ધિદરના આંકડા જાહેર થયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના જાન્યુઆરી-માર્ચના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ૭.૮ ટકા હતો, જે અગાઉના વર્ષે સમાન ત્રિમાસિકમાં ૬.૨ ટકા કરતાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. પરંતુ ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ૮.૬ ટકાની વૃદ્ધિની સરખામણીમાં ૦.૮ ટકાનો આંશિક ઘટાડો દર્શાવે છે.
એ જ રીતે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૩માં વૃદ્ધિદર ૮.૧ ટકા નોંધાયો હતો. વધુમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર ૮.૨ ટકા રહ્યો હોવાનો અંદાજ છે. આર્થિક મોરચા પર ભારતના મુખ્ય પ્રતિસ્પર્ધી ચીનનો આર્થિક વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૫.૩ ટકા રહ્યો છે.
સરકારી આંકડા મુજબ દેશનો જીડીપી વૃદ્ધિદર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૮.૨ ટકા રહ્યો, જે ૨૦૨૨-૨૩માં ૭.૦ ટકા હતો. આમ, આ વર્ષે જીડીપી વૃદ્ધિદરમાં ૧.૨ ટકાનો ઉછાળો દર્શાવે છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ આરબીઆઈને ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૬.૯ ટકા કરતાં વધુ રહેવાનો અંદાજ હતો.
મંત્રાલયે જણાવ્યું કે, પરોક્ષ કર અને સબસિડી સિવાય ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) વૃદ્ધિ પર અંદાજ કરતા સારી રહી હતી. ચોથા ત્રિમાસિક દરમિયાન જીએવીમાં ૬.૩ ટકાની વૃદ્ધિ થઈ હતી. પાછલા ત્રિમાસિકમાં આ આંકડો ૬.૮ ટકા રહ્યો હતો. બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રીઓને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં જીએવીમાં ૬.૨ ટકા વૃદ્ધિનો અંદાજ હતો. આ આંકડા ચૂંટણી પહેલા મજબૂત આર્થિક દેખાવ દર્શાવે છે.
નોમિનલ જીડીપી ૨૦૨૩-૨૪માં ૨૯૫.૩૬ લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે, જે ૨૦૨૨-૨૩માં રૂ. ૨૬૯.૫૦ લાખ કરોડની સામે ૯.૬ ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે. ૨૦૨૩-૨૪ના માર્ચ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી રૂ. ૪૭.૨૪ લાખ કરોડ હોવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૪૩.૮૪ લાખ કરોડ હતો. એ જ રીતે નોમિનલ જીડીપી ૨૦૨૩-૨૪ના માર્ચ ત્રિમાસિકમાં રૂ. ૭૮.૨૮ લાખ કરોડ રહેવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ રૂ. ૭૧.૨૩ લાખ કરોડ હતો, જે ૯.૯ ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે.
સરકારની રાજકોષીય ખાધ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં જીડીપીના ૫.૬૩ ટકા રહી હતી. તે કેન્દ્રીય બજેટમાં દર્શાવાયેલા ૫.૮ ટકાના અંદાજ કરતાં થોડીક ઓછી છે. વાસ્તવિકરૂપે રાજકોષીય ખાધ રૂ. ૧૬.૫૩ લાખ કરોડ રહી. સરકારે ફેબુ્રઆરી ૨૦૨૪માં રજૂ કરેલા વચગાળાના બજેટમાં ૨૦૨૩-૨૪ના સંશોધિત અંદાજમાં રાજકોષીય ખાધ રૂ. ૧૭.૩૪ લાખ કરોડ એટલે કે જીડીપીના ૫.૮ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૩.૩૬ લાખ કરોડ જ્યારે ખર્ચ રૂ. ૪૪.૪૨ લાખ કરોડ રહ્યો હતો.