Get The App

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપી વધીને 8.4 ટકા

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપી વધીને 8.4 ટકા 1 - image


- મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને કન્સ્ટ્રકશન ક્ષેત્રનો સારો દેખાવ

- ગયા વર્ષના સમાન ગાળામાં જીડીપી 4.3 ટકા રહ્યો હતો : સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી 7.6 ટકા રહેવાનો અંદાજ

- 8.4 ટકા જીડીપી દેશના અર્થતંત્રની મજબૂતી અને ક્ષમતા દર્શાવે છે : મોદી

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા કવાર્ટર એટલે કે ઓક્ટોબર થી ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં દેશનો જીડીપી વધીને ૮.૪ ટકા રહ્યો છે. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ડબલ ડિજિટ વૃદ્ધિ તથા માઇનિંગ અને કન્ટ્રકશન સેક્ટરમાં સારા દેખાવને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આંકડા અનુસાર ઓક્ટોબર થી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીના ગાળામાં જીડીપી ૪.૩ ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ૧૧.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષના સમાન ગાળામાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ૪.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં માઇનિંગ સેક્ટરમાં ૭.૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧.૪ ટકા વધારે છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં કન્ટ્રકશન સેક્ટરનો વૃદ્ધિ દર ૯.૫ ટકા રહ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ સેક્ટરનો વૃદ્ધિ દર આટલો જ રહ્યો હતો.

જો કે ત્રીજા કવાર્ટરમાં કૃષિ સેક્ટરની વૃદ્ધિમાં ૦.૮ ટકાનો ઘટાડો થયો છે. જો કે ગયા વર્ષના સમાન ગાળામાં આ સેક્ટરનો વૃદ્ધિ દર ૫.૨ ટકા રહ્યો હતો. એનએસઓએ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો જીડીપી ૭.૬ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

જીડીપીના આંકડા અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે ત્રીજા કવાર્ટરમાં ૮.૪ ટકાનો શાનદાર જીડીપી ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો છે કે અર્થતંત્ર ઝડપથી વિકાસ કરે જેથી ૧૪૦ કરોડ નાગરિકોનું જીવન વધું સારુ બનાવી શકાય અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાય.

આ દરમિયાન આજે કોર સેક્ટરના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરીમાં આઠ મહત્ત્વપૂર્ણ કોર સેક્ટરનો વિકાસ ઘટીને ૩.૬ ટકા રહ્યો છે જે ૧૫ મહિનાની નિમ્ન સપાટી છે. 

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર રિફાઇનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ અને વીજળી ક્ષેત્રના નબળા દેખાવને કારણે આઠ કોર સેક્ટરની વૃદ્ધિમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે આઠ કોર સેક્ટર કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો વૃદ્ધિ દર ડિસેમ્બર, ૨૦૨૩માં ૪.૯ ટકા રહ્યો હતો. જાન્યુઆરી, ૨૦૨૩માં આ વૃદ્ધિ દર ૯.૭ ટકા રહ્યો હતો.

જાન્યુઆરી સુધીમાં નાણાકીય ખાધ  વાર્ષિક લક્ષ્યાંકના 63.6 ટકા

ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરીના અંત સુધીમાં સરકારની નાાણાકીય ખાધ  ૧૧ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે જે  વાર્ષિક લક્ષ્યાંકના ૬૩.૬ ટકાએ પહોંચી ગઇ છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરકારની નાણાકીય ખાધ ૧૭.૩૫ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. 

જે જીડીપીના ૫.૮ ટકા થાય છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરીના અંત સુધીમાં ૩૩.૫૪ લાખ  કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છ જ્યારે તેની આવક ૨૨.૫૨ લાખ કરોડ રૂપિયા થઇ છે. એટલે કે સરકારની નાણાકીય ખાધ ૧૧ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.


Google NewsGoogle News