જીડીપી બે વર્ષના તળિયે : આર્થિક મોરચે સરકારને પડકાર
- જુલાઈ - સપ્ટેમ્બરમાં વિકાસદર 5.4 ટકા : મેન્યુફેકચરિંગ-માઇનિંગ સેક્ટરનો ખરાબ દેખાવ : આરબીઆઈ પર વ્યાજદર ઘટાડવા દબાણ
- ગયા જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી 8.1 ટકા જ્યારે 2024-25ના એપ્રિલ-જૂનમાં જીડીપી 6.7 ટકા રહ્યો હતા
- કેન્દ્રની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં રૂ. 7,50,824 કરોડ : સમગ્ર વર્ષના કુલ લક્ષ્યાંકના 46.5 ટકા
- ઓક્ટોબર, 2024માં આઠ કોર સેક્ટરનો વિકાસ ઘટીને 3.1 ટકા થયો ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ 12.7 ટકા હતા
નવી દિલ્હી : દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે ઘટીને ૫.૪ ટકા થઇ ગયો છે જે છેલ્લા બે વર્ષનું નિમ્ન સ્તર છે. ઉંચા વ્યાજદરને કારણે દેશનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાના કેટલાક મંત્રીઓ અને સરકારના આર્થિક સલાહકારોએ મુદ્દો ઉઠાવ્યો હતો. દેશનું અર્થતંત્ર ફરી ઝડપથી વિકસે તે માટે રિઝર્વ બેન્કે વ્યાજના દરમાં ઘટાડો કરવો જોઈએ એવી દલીલ થઈ રહી છે. આ સમયે અર્થતંત્ર બે વર્ષ માટે તળિયે વિકાસ પામ્યું હોવાના આંકડા આવતા હવે રિઝર્વ બેંક ઉપર વ્યાજનો દર ઘટાડવા દબાણ વધશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૩-૨૪માં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી ૮.૧ ટકા રહ્યો છે. જ્યારે ૨૦૨૪-૨૫માં એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ૬.૭ ટકા રહ્યો હતો.
આ અગાઉ ૨૦૨૨-૨૩ના ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં જીડીપી ૪.૩ ટકા રહ્યો હતો. જો કે ૨૦૨૪-૨૫ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો જીડીપી ૪.૬ ટકા રહેતા ભારત વિશ્વના મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે.
નેશનલ સ્ટેટિસ્ક્સ ઓફિસ (એનએસઓ)ના આંકડાઓ પરથી જાણ થાય છે કે કૃષિ ક્ષેત્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ૩.૫ ટકાના દરે વિકાસ પામ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૧.૭ ટકાના દરે વિકાસ પામ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વૃદ્ધિ દર ૨.૨ ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તેમાં ૧૪.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બીજા કવાર્ટરના જીડીપીના આંકડા આવ્યા પછી ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનાનો જીડીપી ૬ ટકા આંકવામાં આવ્યો છે. ગયા વર્ષના સમાન ગાળામાં જીડીપી ૮.૨ ટકા રહ્યો હતો.
આ દરમિયાન સરકારે જારી કરેલા આંકડા અનુસાર કેન્દ્રની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં સમગ્ર વર્ષના કુલ લક્ષ્યાંકના ૪૬.૫ ટકા થઇ ગઇ છે.
કેન્દ્રની નાણાકીય ખાધ એટલે કે સરકારનો ખર્ચ અને સરકારની આવક વચ્ચેનો તફાવત. એપ્રિલથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત ૭,૫૦,૮૨૪ કરોડ રૂપિયા છે.
ઓક્ટોબર, ૨૦૨૪માં આઠ કોર સેક્ટરનો વિકાસ ઘટીને ૩.૧ ટકા થઇ ગયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ ૧૨.૭ ટકા હતો.
બીજી તરફ સરકાર અર્થતંત્રની સચોટ તસ્વીર દર્શાવવા માટે જીડીપીની ગણતરી માટે આધાર વર્ષ ૨૦૧૧-૧૨ને બદલીને ૨૦૨૨-૨૩ કરવા પર વિચાર કરી રહી છે. આ ફેરફાર ૨૦૨૬થી અમલમાં આવશે તેમ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશને એક નિવેદનમાં જણાવ્યું છે.
જીડીપી ગણતરી માટે છેલ્લી વખત ૨૦૧૧-૧૨માં સંશોધન કરવામાં આવ્યું હતું અને આ એક દાયકાથી વધુ સમયમાં પ્રથમ સંશોધન હશે.