ગૌતમ અદાણીએ વીજળી વેચવા રૂ.2100 કરોડની લાંચ આપી
- અમેરિકન ફેડરલ કોર્ટમાં અદાણી સામે લાંચ દેવાના અને જૂઠું બોલવાના આરોપો
- જૂન 2024 સુધી કાર્યરત આંધ્ર પ્રદેશના ઉચ્ચ સરકારી અધિકારીને લાંચ ચૂકવાઈ : કોર્ટના દસ્તાવેજ અનુસાર ગૌતમ અદાણીએ રૂબરૂ હાજર રહી લાંચનો પ્લાન સમજાવેલો
- અદાણી અને ભત્રીજા સાગર સામે અમેરિકી કોર્ટનું ધરપકડનું વોરંટ
ન્યૂ યોર્ક : અદાણી જૂથની શાખને ધૂળધાણી કરી નાખે તેવો ઘટસ્ફોટ થયો છે. ન્યૂ યોર્કની ઇસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટમાં ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી અને સાત અન્ય વ્યક્તિ સામે ૨૫ કરોડ ડોલર એટલે કે લગભગ રૂ.૨૧૦૦ કરોડની લાંચ આપવાનો આરોપ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે રજૂ કર્યો છે. અમેરિકન રોકાણકારો પાસેથી નાણા ઉભા કરવા માટે ભારતમાં સોલાર પ્રોજેક્ટનો કરાર મેળવવા માટે આ લાંચ આપી હોવાનો આરોપ રજૂ કરવામાં આવ્યા છે. ગૌતમ અદાણીના લાંચના પ્રકરણમાં આંધ્ર પ્રદેશ સરકારના એક ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ (જે જૂન પછી સત્તામાં નથી)નો પણ સમાવેશ થાય છે. આ વ્યક્તિને લાંચ આપી અદાણીએ પોતાના વિશ્વના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટની વીજળીની ખરીદીનો કરાર જીત્યો હોવાનું કોર્ટમાં રજૂ થયેલા કાગળો ઉપરથી જાણવા મળે છે.
આ કૌભાંડના બીજ ૨૦૧૯માં રોપાયા હોવાનો અને તેનો અમલ ૨૦૨૦થી ૨૦૨૨ વચ્ચે થયો હોવાનું અમેરિકન તપાસ એજન્સી માને છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર ખુદ ગૌતમ અદાણીએ વ્યક્તિગત રીતે હાજર રહી આ અધિકારી સાથે લાંચ આપવા માટેના પ્લાનની ચર્ચા કરી હતી. આ પછી ૨૦૨૧માં અદાણી ગ્રીન એનર્જીએ અમેરિક બજારમાંથી આંતરરાષ્ટ્રીય રોકાણકારો સમક્ષ જૂઠી માહિતી અને ગેરમાર્ગે દોરનારા નિવેદન કરી નાણા ઉભા કર્યા હોવાનો આરોપ છે. આ દસ્તાવેજમાં એવો ઉલ્લેખ પણ છે કે આંધ્ર પ્રદેશ રાજ્ય સરકારે અદાણી પાસેથી સૌથી વધુ વીજળી ખરીદવા માટે ડિસેમ્બર ૨૦૨૧માં જાહેરાત કરી એ પહેલા આંધ્રના ઉચ્ચ અધિકારીને ગૌતમ અદાણી ત્રણ વખત રૂબરૂ મળ્યા હતા. કેટલીક બેઠકો અદાણી જૂથની અમદાવાદ હેડઓફીસમાં થઇ હોવાનો અને મેસેન્જર એપ દ્વારા વાટાઘાટ થતા હોવાનો પણ ઉલ્લેખ છે.
સોલાર વીજળી ખરીદવા લાંચ
અમેરિકન કોર્ટના ઉપલબ્ધ દસ્તાવેજ અનુસાર ભારતમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ બનાવવાનો કરાર મળ્યા બાદ અદાણી જૂથે આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. ગુજરાતના કચ્છ ખાતે ૨૬ ગીગવોટ કે દૈનિક ૮૧ અબજ યુનિટ વીજળી પેદા કરવાની ક્ષમતા ઉભી કરવા ૨૦ અબજ ડોલરનું કુલ રોકાણ પ્રસ્તાવિત હતું. જોકે, ભારત સરકારની માલિકીની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ પ્રોજેક્ટમાંથી ઉભી થનારી વીજળી ખરીદવામાં નિષ્ફળ રહેતા વિવિધ રાજ્ય સરકારની વીજ કંપનીઓનો સંપર્ક કરી, તેમને લાંચ આપી પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ પાવર પરચેઝના આધારે ૨૦ વર્ષ સુધી દર વર્ષે બે અબજ ડોલરનો નફો થશે એવા અંદાજો રોકાણ કરી અમેરિકન અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી નાણા ઉભા કરવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક એવા ગૌતમ અદાણી સામે છેતરપિંડી, અદાણી અને તેના સહયોગીઓએ લાંચ આપી હોવાનો અને છેલ્લે આ પ્રોજેક્ટ માટે રોકાણની યોજ્ના ઘડી રોકાણકારો સામે જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બીજી તરફ, અમેરિકન બજારના નિયમનકાર સીક્યુરીટીઝ એકચેન્જ કમિશને (એસઈસી) પણ એક સમાંતર ફરિયાદ દાખલ કરી છે. અદાણી ગ્રીન એનર્જીએ અમેરિકામાં રોકાણકારો પાસેથી ૧૭.૫ કરોડ ઉભા કર્યા હતા. જે કંપની વિદેશમાં લાંચ આપી અમેરિકામાં કાર્ય કરે, બજારમાંથી રોકાણ મેળવે એસઈસી તેના ઉપર ફોરેન કરપ્ટ પ્રેક્ટીસીઝ એક્ટ હેઠળ કેસ કરવા અને પ્રતિબંંધ મૂકવાની એસઈસીને સત્તા છે.
લાંચની ગણતરી કેવી રીતે થઇ
વીજ ઉત્પાદક તરીકે વીજળીના ઉત્પાદ બાદ તેનું વેચાણ થાય એ જરૂરી હતું. અદાણી જૂથની કંપનીઓને ભારત સરકારની સોલાર એનર્જી કોર્પોરેશન તરફથી કુલ ૧૨ ગીગવોટ સોલાર એનર્જી માટે કરાર મળ્યા હતા પણ ફિક્સ ભાવે વીજળી ખરીદવા કોઈ રાજ્ય તૈયાર ન હતા. અદાણીની ભારતની કંપનીને ૮ ગીગાવોટ અને અમેરિકન પેટા કંપનીને ૪ ગીગાવોટ વીજળી આપવા મંજુરી મળી હતી. કોઈ ખરીદનાર નહી મળતા ૨૦૨૦માં લાંચ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોપનામ હેઠળ ખુદ ગૌતમ અદાણી આંધ્ર પ્રદેશના ઉચ્ચ સરકારી અધિકારીને ૨૦૨૧ની સાલમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બર એમ ત્રણ વખત મળ્યા હતા. ૨૬.૫ કરોડ ડોલર કે રૂ.૨,૦૨૯ કરોડની લાંચ આપવામાં આવનાર હતી જેમાંથી ૨૨.૮ કરોડ ડોલર કે રૂ.૧,૭૫૦ કરોડ આંધ્ર સરકારના અધિકારીને આપવાના હતા. લાંચનું નક્કી થતા ઉડીશા, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, છતીસગઢ, તમિલનાડુ જેવી રાજ્ય સરકારે કેન્દ્રની સોલાર એનર્જી કોર્પો. સાથે વીજ ખરીદવાના કરાર કર્યા હતા. જેમાંથી આંધ્ર પ્રદેશ સરકારે કુલ ૭ ગીગવોટ વીજળી ખરીદવા કરારની ડિસેમ્બર ૨૦૨૧માં જાહેરાત કરી હતી.
લાંચ ઉપર સાગર અદાણીની નજર રહેતી
ક્યા રાજ્યને કેટલી વીજળી આપવાની છે, ક્યા અધિકારીને લાંચ આપવાની છે, કેટલી લાંચ આપવાની છે તેની વિગતો ઉપર અદાણી ગ્રીનના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી નજર રાખતા હતા. કોર્ટમાં રજૂ થયેલા આરોપપત્ર અનુસાર, વીજ કરાર માટે રાજ્ય સરકારના અધિકારીઓને પ્રતિ મેગાવોટ પૈસા લાંચ પેટે ઓફર કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ છે.
અદાણી જૂથની માલિકીની અદાણી ગ્રીન એનર્જી કંપનીએ વિશ્વના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટમાં ઉત્પાદિત વીજળી વેચવા માટે વિવિધ રાજ્ય સરકારો સાથે વાટાઘાટો ચલાવી હતી તેમાંથી એક ભરતી
અદાણી ગૃપ કંપનીઓના MCAPમાં રૂ. 2,20,000 કરોડનું ધોવાણ
અમેરિકાની કોર્ટ દ્વારા કથિત લાંચ અને છેતરપિંડીના આરોપ હેઠળ ગૌતમ અદાણી, સાગર અદાણી સહિત છ વ્યક્તિઓ દોષિત ઠેરવાયાના અહેવાલો પાછળ આજે અદાણી ગૃપ કંપનીઓના શેરોમાં મોટાપાયે વેચવાલીનું દબાણ આવતા આજે એક જ દિવસમાં તેના માર્કેટ કેપ.માં રૂ. ૨,૨૦,૦૦૦ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. હિન્ડેનબર્ગના આક્ષેપો બાદ આજે આ નવા અહેવાલો પાછળ અદાણી ગૃપ કંપનીઓના શેરોમાં ૨૩ ટકા સુધીના ગાબડા નોંધાયા હતા. જેમાં સૌથી મોટો ૨૨.૬૧ ટકાનો કડાકો અદાણી એન્ટરપ્રાઈસના શેરમાં નોંધાયો હતો. આ સિવાય અદાણી એનર્જીમાં ૨૦ ટકા, અદાણી ગ્રીનમાં ૧૮.૯૦ ટકા, અદાણી પોર્ટમાં ૧૩.૫૩ ટકા, અંબુજા સિમેન્ટમાં ૧૧.૯૮ ટકા, અદાણી ગેસમાં ૧૦.૪૦ ટકા અને અદાણી પાવરમાં ૯.૧૫ ટકાનું ગાબડું નોંધાયું હતું.